બિનહથિયારી PSIની 472 જગ્યા માટે 13 એપ્રિલે લેખિત પરીક્ષા:અમદાવાદ, વડોદરા અને સુરતનાં 340 કેન્દ્રમાં 1.02 લાખ ઉમેદવારની કસોટી; ST વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે

ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટરની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારની લેખિત પરીક્ષા આવતીકાલે (13 એપ્રિલ) અમદાવાદ, વડોદરા અને સુરતની કુલ 340 સ્કૂલમાં યોજવામાં આવશે. એ માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા 13 એપ્રિલ સુધી ચાલુ રહેશે. એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં 3-3 કલાકનાં બે પેપર હશે.

આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરીતિ વગર યોજાય એ માટે 8000થી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર એક PI/PSIને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ પરીક્ષાને લઈને વડોદરા એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 30 બસનું દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શહેર પોલીસ દ્વારા રિક્ષા યુનિયનને સૂચના અપાઈ છે કે પરીક્ષા કેન્દ્રો સુધી કોઈ પણ પરીક્ષાર્થીને મુશ્કેલી ન સર્જાય એ રીતે સ્ટેન્ડબાય રહી કામગીરી કરવી.

વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનિટરિંગ કરાશે લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે. શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલા બાયોમેટ્રિક-ફોટોગ્રાફને લેખિત પરીક્ષાનાં બન્ને પેપર પહેલાં વેરિફિકેશન કરવામાં આવશે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનારા તમામ વાહનોને GPS મારફત મોનિટરિંગ કરવામાં આવશે.

ગેરરીતિ કરનારા સામે કડક પગલાં લેવાશે અમદાવાદ શહેર, સુરત શહેર અને વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશનરના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ IGP/DIGP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિના સુપરવિઝન હેઠળ યોજવામાં આવશે. 13/04/2025ના રોજ યોજાનારી આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતિ વગર યોજાય એ માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ પરીક્ષામાં ગેરરીતિ કરનાર કે ગેરરીતિમાં મદદ કરનાર વિરુદ્ધ સખત પગલાં ભરવામાં આવશે.

વડોદરામાં 70 કેન્દ્ર પર 21000 પરીક્ષાર્થી પરીક્ષા આપશે પરીક્ષાને લઈ વડોદરા પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોગ્ય બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. જ્યારે આ પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થી અટવાય નહીં એ માટે ટ્રાફિક વિભાગ દ્વારા રિક્ષા યુનિયન સાથે મળી પરીક્ષાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે એ માટે આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં 70 કેન્દ્રો પર 21 હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. વડોદરા સેન્ટર પર આવેલા પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન સર્જાય એ માટે વડોદરા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં આવનારા પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે એ માટે રિક્ષા યુનિયન સાથે બેઠક કરી 50 જેટલી રિક્ષા અહીં સ્ટેન્ડબાય રહે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરા ST વિભાગ કુલ 30 બસ દોડાવશે આવતીકાલે યોજાનારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષાને લઈ વડોદરા એસટી વિભાગ દ્વારા વિવિધ ડેપો અંતર્ગત કુલ 30 બસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 13 બસ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે સ્ટેન્ડબાય રહેશે, જ્યારે અન્ય 17 બસો વિવિધ સ્ટેન્ડ પર સ્ટેન્ડબાય રાખવામાં આવશે, જેથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને કોઈ મુશ્કેલીઓ ન પડે અને સમયસર યોગ્ય સંચાલન થઈ શકે.

વિવિધ ડેપોથી 13 બસ ઊપડશે વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફ જવા માટે વિવિધ ડેપોમાં 13 જેટલી બસોને સ્ટેન્ડબાય રાખવામાં આવશે. ડભોઇ ડેપોમાં 3, બોડેલી ડેપોમાં 2, છોટાઉદેપુર ડેપોમાં 5, પાદર ડેપોમાં 1, કરજણ ડેપોમાં 2, મળે કુલ 13 બસ ડેપોમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે, જ્યારે અન્ય 17 બસો વડોદરા શહેરના વિવિધ ડેપો વિસ્તારમાં સ્ટેન્ડબાય રહેશે.

વિવિધ સેન્ટર પર સ્ટેન્ડબાય રહેનારી 17 બસ (સાંજે 5 કલાકે) વડોદરા ડેપો

  • અમિતનગર સર્કલ ખાતે 3 બસ
  • રેસ્કોર્સ બસ સ્ટેન્ડ 2 બસ

ડભોઇ ડેપો

  • સોમતળાવ ખાતે 2 બસ

કરજણ ડેપો

  • માંજલપુર શ્રેયસ સ્કૂલ ખાતે 3 બસ

પાદરા ડેપો

  • અક્ષર ચોક ખાતે 2 બસ
  • યોગ સર્કલ જીઇબી પાસે 2 બસ

વાઘોડિયા ડેપો

  • એરપોર્ટ સર્કલ ખાતે 3 બસ