ગોધરા,
બિલ્કીસ બાનોના દોષિતોની મુક્તિ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ પહેલા એક તસવીર સામે આવી હતી. જેમાં એક આરોપી ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહ્યો છે. મહુઆ મોઇત્રાએ કહ્યું કે, આ નરાધમ જેલમાં હોવો જોઈએ. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વિટર પર એક તસવીર શેર કરી છે. જેમાં બીજેપી નેતા કથિત રીતે બિલ્કિસ બાનો કેસના એક દોષિત સાથે સ્ટેજ શેર કરી રહ્યાં છે. આ તસવીર ત્યારે સામે આવી છે.જ્યારે આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ દોષિતોની મુક્તિને પડકારતી અરજી પર સુનાવણી થવાની છે. તસવીરમાં કથિત રીતે જોઈ શકાય છે કે 11 દોષિતોમાંથી એક શૈલેષ ભટ્ટ નામની વ્યક્તિ ગુજરાત ભાજપના સંસદસભ્ય અને ધારાસભ્ય સહીતના સ્થાનિક નેતા સાથે મંચ પર જોવા મળે છે. દાહોદના ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોર અને તેમના ભાઈ, લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરે તેમની હાજરીમાં સમૂહ પાણી પુરવઠા યોજનાના લોકાર્પણમાં હાજરી આપી હતી. આજીવન કેદની સજા ભોગવી રહેલા બિલ્કીસ બાનો કેસના 11 દોષિતોને ગુજરાત ભાજપ સરકારે 1992ની જૂની મુક્તિ નીતિ હેઠળ મુક્ત કર્યા હતા. બિલ્કીસના દોષિત જેલમાં જ હોવા જોઈએ.
જ્યારે બીજેપી સાંસદ-ધારાસભ્ય બળાત્કાર અને હત્યા કેસના દોષીત સાથે જોવા મળ્યા ત્યારે ટીએમસી સાંસદે કહ્યું કે તે (શૈલેષ ભટ્ટ) જેલમાં હોવો જોઈએ. તેમણે ગુનેગારોને પાછા જેલમાં મોકલવાની અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે આવા લોકોને સમર્થન આપતી આ સરકારને સત્તામાંથી બહાર ફેંકી દેવી જોઈએ. બિલ્કીસ બાનો કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
બિલ્કીસ બાનોના દોષિતોની મુક્તિ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને તેમની મુક્તિની પ્રક્રિયાને પડકારવામાં આવી છે. કેએમ જોસેફ અને બીવી નાગરત્નની નવી બેંચ સોમવારે, 27 માર્ચે કેસની સુનાવણી કરશે. ગયા મહિને આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી અને વધુ સુનાવણી માટે નવી બેન્ચની રચના કરવામાં આવી હતી. મહુઆ મોઇત્રાએ પણ અરજી દાખલ કરી છે
દોષિતોની મુક્તિ વિરૂદ્ધ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં ઝખઈ સાંસદે પણ એક અરજી દાખલ કરી છે. જેની સુનાવણી બે જજની બેન્ચ કરશે. ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરે તસવીરો શેર કરી અને ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યું કે કડાણા ડેમ બલ્ક પાઇપલાઇન આધારિત લીમખેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું રૂ.101.89 કરોડના ખર્ચે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ લીમખેડાના 43 ગામો, સિંહવાડાના 18 ગામો અને ઝાલોદના 3 ગામોને આવરી લેવામાં આવશે.