બીલીમોરાથી 1430 કિ.મી. દોડ લગાવી અયોધ્યા જતાં યુવાનો લીમખેડા અને દાહોદ ખાતે સ્વાગત કરાયું

દાહોદ, બીલીમોરાથી 1430 કિ.મી. દોડ લગાવી અયોધ્યા જતા 30 યુવાનો દાહોદ જીલ્લાના લીમખેડા તેમજ દાહોદ શહેરમાં લીમખેડા તેમજ દાહોદના રાજકીય પક્ષો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહી આ ઐતિહાસિક અને અલૌકિકક્ષણના સાક્ષી બનવા હરકોઈ ઉત્સાહીત અને આતુર છે. સમગ્ર દેશ અને વિદેશમાંથી લોકો અયોધ્યામાં રામલલાના દર્શન માટે આતુર બન્યા છે. ત્યારે ગુજરાતના બીલીમોરા ગામે થી 26 યુવકો અને 4 યુવતિઓ મળી 30 જેટલા યુવાનો દોડ લગાવીને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નીકળ્યા છે. જે આજે લીમખેડા તેમજ દાહોદ ખાતે આવી પહોંચતા લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલ કિશોરી, જીલ્લા ભાજપ મહામંત્રી સ્નેહલ ધરીયા સહિતના આગેવાનોએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યુ હતું. ઉપસ્થિત લોકોએ જય શ્રીરામ નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. 30 દોડવીરો સાથે અન્ય 10 જેટલા સેવાભાવી લોકો પણ આ યુવાનો સાથે અયોધ્યા પહોંચશે. આ રામ ભક્તોએ જણાવ્યુ હતું કે, અયોધ્યા સુધી દોડ લગાવીને જવાનો તેમનો ઉદ્દેશ એટલો જ છે કે, સમગ્ર ભારતમાં એકતા જળવાઇ રહે, યુવાનોમાં ધર્મ પ્રત્યે જાગૃતતા આવે અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાય તેવા હેતુથી અયોધ્યા સુધી દોડતા જવાનું નક્કી કર્યું છે. આ દોડવીરોએ લીમખેડાથી દાહોદ તરફ પ્રસ્થાન કર્યુ હતું.