દાહોદ વતનમાં લગ્ન પ્રસંગે જતા દંપતીની બાઇકને વહેલી સવારે આજવા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા દંપતીનું સ્થળ પર જ કરૃણ મોત નિપજ્યું હતું. જ્યારે ચાર વર્ષ અને દોઢ વર્ષના બાળકોને સામાન્ય ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બીલવાણી ગામે રહેતો વિક્રમ સવસીંગભાઇ ભાભોર તેની પત્ની અને બે બાળકો સાથે વાઘોડિયા રોડ ગાયત્રી મંદિર પાસે શ્રીનાથ સોસાયટીમાં રહે છે અને કડિયા કામની મજૂરી કરે છે.
તેની સાથે દોઢ અને ચાર વર્ષના બે બાળકો રહે છે. જ્યારે અઢી વર્ષનો પુત્ર કાળુ વતનમાં દાદા દાદી સાથે રહે છે. આજ સવારે વિક્રમ અને તેના પત્ની સુરતાબેન બે બાળકોને લઇને બાઇક પર વતનમાં લગ્ન પ્રસંગે જવા માટે નીકળ્યા હતા.વહેલી સવારે પાંચ વાગ્યે તેઓ વાઘોડિયા ચોકડીથી આજવા ચોકડી તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન લક્ષ્?મી સ્ટુડિયો પાસે પાછળથી આવતા અજાણ્યા વાહને તેઓની બાઇકને ટક્કર મારતા ચારેય જણા ઉછળીને રોડ પર ફંગોળાયા હતા.
પતિ પત્નીને માથામાં ગંભીર ઇજા થતા તેઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓને સામાન્ય ઇજા થઇ હતી. બનાવ અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.