નવીદિલ્હી, બિહારનું બેગુસરાય વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં મોખરે રહ્યું છે. જ્યારે દિલ્હીએ સૌથી પ્રદૂષિત રાજધાનીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ૨૦૨૩માં ભારત હવાની ખરાબ ગુણવત્તાની બાબતમાં ૧૩૪ દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે. સ્વિટ્ઝર્લેન્ડની સંસ્થા આઇક્યુએરના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ ૨૦૨૩ અનુસાર વિશ્વના સૌથી પ્રદૂષિત ૫૦ શહેરમાં ભારતના ૪૨ શહેરનો સમાવેશ થાય છે.
૨૦૨૨માં ભારત પ્રતિ ઘનમીટર ૫૩.૩ માઇક્રોગ્રામના પીએમ ૨.૫ પ્રમાણ સાથે આઠમો સૌથી પ્રદૂષિત દેશ હતો. પ્રતિ ઘન મીટર ૫૪.૪ માઇક્રોગ્રામના વાષક પીએમ ૨.૫ સરેરાશ વાષક સ્તર સાથે ૨૦૨૩માં ભારત હવાની ખરાબ ગુણવત્તાની બાબતમાં ૧૩૪ દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે. યાદીમાં બાંગ્લાદેશ પહેલા અને પાકિસ્તાન બીજા ક્રમે રહ્યા છે.
વિશ્ર્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં બિહારનું બેગુસરાય મોખરે રહ્યું છે. જ્યાં પીએમ ૨.૫નું સરેરાશ પ્રમાણ પ્રતિ ઘનમીટર ૧૧૮.૯ માઇક્રોગ્રામ નોંધાયું છે. રસપ્રદ વાત એ છે કે ૨૦૨૨માં તે પ્રદૂષિત શહેરોની યાદીમાં પણ ન હતું. જ્યારે દિલ્હી ૨૦૨૩માં પ્રતિ ઘનમીટર ૯૨.૭ માઇક્રોગ્રામના પીએમ ૨.૫ સ્તર સાથે વિશ્ર્વના દેશોની રાજધાનીમાં અવ્વલ રહ્યું છે. આ સાથે દિલ્હી ૨૦૧૮થી સતત ચોથી વખત સૌથી પ્રદૂષિત રાજધાનીની યાદીમાં સામેલ થયું છે. એક અંદાજ પ્રમાણે ભારતના ૧.૩૬ અબજ લોકો ડબ્લ્યુએચઓની પ્રતિ ઘનમીટર પાંચ માઇક્રોગ્રામની પીએમ ૨.૫ના સ્તરની માર્ગરેખા કરતાં વધુ પ્રદૂષિત હવા શ્ર્વાસમાં લઈ રહ્યા છે. શહેરોમાં આ ટ્રેન્ડ બહુ સ્પષ્ટ છે. દેશના ૬૬ ટકાથી વધુ શહેર પ્રતિ ઘનમીટર ૩૫ માઇક્રોગ્રામની વાર્ષિક સરેરાશ કરતાં વધુ પ્રદૂષિત હવા ધરાવે છે.
વાયુ પ્રદૂષણના કારણે વિશ્ર્વભરમાં દર નવમાંથી એક મોત થાય છે. આ રીતે માનવ સ્વાસ્થ્ય માટે વાયુ પ્રદૂષણ સૌથી મોટું પર્યાવરણ સંબંધી જોખમ છે.ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે વિશ્ર્વમાં ૭૦ લાખ લોકોનાં અકાળે મૃત્યુ થાય છે. ઉપરાંત,પીએમ ૨.૫નું ઊંચું પ્રમાણ ઘણી બીમારીઓ માટે પણ જવાબદાર છે. જેમાં અસ્થમા, કેન્સર, સ્ટ્રોક, ફેફસાંના રોગ સહિતની વ્યાધિનો સમાવેશ થાય છે.