બિહારના ખગરિયા મહિલાની ઘાતકી હત્યા પહેલા આંખ કાઢી, પછી જીભ કાપી અને પ્રાઈવેટ પાર્ટને વિકૃત કર્યું

ખગરિયા, બિહારના ખગરિયા જિલ્લામાં જમીન વિવાદને લઈને ૪૫ વર્ષીય મહિલાની કથિત રીતે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.પોલીસે ખેતરમાંથી મહિલાનો વિકૃત મૃતદેહ મેળવ્યો હતો. હત્યારાઓની બર્બરતા એ છે કે, મહિલાના મૃતદેહની આંખો કાઢી નાખવામાં આવી હતી, જીભ કાપી નાખવામાં આવી હતી અને તેના પ્રાઇવેટ પાર્ટને પણ વિકૃત કરી દેવામાં આવ્યા હતા. જીવ ગુમાવનાર મહિલાના પતિ અને સાળાની વર્ષ ૨૦૧૪માં હત્યા કરવામાં આવી હતી.

ખાગરિયા પોલીસના જણાવ્યા અનુસાર, પસરહા પોલીસ સ્ટેશન વિસ્તારના મહદીપુર બહિયારમાં એક ખેતરમાં વિકૃત હાલતમાં મળી આવેલી મહિલાની લાશ જોઈને વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. અહેવાલો અનુસાર, ખેતરમાં કામ કરવા ગયેલી સુલેખા દેવી નામની મહિલાની જમીન વિવાદને લઈને હત્યા કરવામાં આવી હતી. તેના પતિ બબલુ સિંહ અને સાળા કરે સિંહની પણ જમીનના વિવાદમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપ્યો છે.

બીજી બાજુ મહિલાની ઘાતકી હત્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ શવ સાથે મળીને NH-31 ને કેટલાક કલાકો સુધી બ્લોક કરી દીધો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઘણી સમજાવટ બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકાઈ હતી અને હાઈવે પરથી જામ હટાવી શકાયો હતો. ગ્રામજનો અને સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસન પાસે મહિલાના હત્યારાઓને જલ્દીથી પકડી કડક સજા કરવાની માંગ કરી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, શનિવારે સાંજે બે બાઇક પર આવેલા ચાર હુમલાખોરોએ પહેલા ખેતરમાં ડાંગરનું ભૂસું વાવતી મહિલાને નિર્દયતાથી માર માર્યો હતો. ત્યાર બાદ તેના પર ઉપરા-ચાપરી છરીથી હુમલો કરાયો. પછી આંખો બહાર કાઢવામાં આવી હતી, જીભ કાપવામાં આવી હતી અને પ્રાઈવેટ પાર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મહિલાના પરિવારે તેના પાંચ પાડોશીઓ પર તેની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમની ઓળખ મહેન્દ્ર સિંહ, રૂલો સિંહ, રાજદેવ સિંહ, ફુલુંગી સિંહ અને શ્યામ કુમાર સિંહ તરીકે થઈ છે.

કેસની માહિતી મળ્યા બાદ મહેંદીપુર ગામ પહોંચેલા સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર મનોજ કુમારે જણાવ્યું હતું કે, પોલીસે પાંચેય આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો (આઈપીસી) હેઠળ એફઆઈઆર નોંધી છે, જેમાં ૩૦૨ (હત્યા) પણ સામેલ છે. તેઓએ જણાવ્યું હતું કે, એક મહિલાની હત્યા થઈ છે.

પસરાહા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અમલેશ કુમારે આ મામલામાં જણાવ્યું કે, જે રીતે હત્યા કરવામાં આવી છે તે જોતા લાગે છે કે, હત્યારાઓને મહિલા પ્રત્યે ઘણી નફરત હતી. મળતી માહિતી મુજબ, પીડિતાનો પરિવાર તેના પાંચ પાડોશીઓ સાથે પાંચ વીઘા જમીનના એક ભાગને લઈને લાંબા સમયથી કાનૂની વિવાદમાં ફસાયેલો છે. આ જમીન વિવાદમાં નવ વર્ષ પહેલા બનેલા ડબલ મર્ડરનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને તે હત્યાના આરોપીઓ હાલ જામીન પર બહાર છે.