બિહારના સીએમ નીતિશ કુમારે દિલ્હીમાં કોંગ્રેસ અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી, રાહુલ ગાંધી પણ હાજર હતા

નવીદિલ્હી,\ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. આના એક દિવસ પહેલા એટલે કે રવિવારે નીતિશ કુમારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. નીતીશ કુમાર આગામી વર્ષે યોજાનારી લોક્સભા ચૂંટણી પહેલા વિરોધ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે.

જણાવી દઈએ કે આ જ મહિનામાં નીતીશ કુમારે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી. જો કે મીટિંગ બાદ નવીન પટનાયકે કહ્યું હતું કે અમે એકલા જ ઠીક છીએ. નીતીશ કુમારે ૨૦ મેના રોજ કર્ણાટકમાં નવી ચૂંટાયેલી કોંગ્રેસ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપ વિરુદ્ધ સંયુક્ત મોરચો બનાવવા માટે લોક્સભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળવામાં વ્યસ્ત છે. આ એપિસોડમાં ગયા મહિને તેઓ મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ અખિલેશ યાદવ અને અન્ય ઘણા નેતાઓને મળ્યા હતા. તેમણે એનસીપી વડા શરદ પવારને પણ વિપક્ષને મજબૂત કરવા હાકલ કરી હતી.