અત્યારે એવો સમય છે કે દરેક નાની વાતો માટે લોકો એકબીજા સાથે બોલાચાલી કરવા લાગે છે અને આ બોલાચાલી મોટાભાગે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે.
બિહારના ઔરંગાબાદ જિલ્લામાં કાર પાર્કિંગને લઈને બે પક્ષો વચ્ચેના વિવાદમાં ચાર લોકોના મોત થયા હતા, જેમાંથી ત્રણ ઝારખંડના રહેવાસી હતા. ઔરંગાબાદના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના નબીનગર વિસ્તારમાં બની હતી જ્યાં એક દુકાનદારે તેની દુકાનની સામે કાર પાર્ક કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
કારમાં ચાર લોકો બેઠા હતા. એ સમયે દુકાનદાર અને કારચાલક વચ્ચે બોલાચાલી એટલી વધી ગઈ કે કાર સવારે પિસ્તોલ કાઢીને દુકાનદાર પર ગોળીબાર કર્યો હતો. જો કે ગોળી દુકાનદારને વાગી ન હતી, પરંતુ તેની પાસે ઉભેલા એક વ્યક્તિને લાગી હતી. ગોળી લાગવાથી એ વ્યક્તિનું મોત થયું હતું જે બાદ બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને કાર સવારોને પકડીને માર મારવાનું શરૂ કર્યું હતું.
આ સમગ્ર ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના પણ મોત થયા છે, જ્યારે બેની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલામાં કુલ 4 લોકોના મોત થયા છે.
પાર્કિંગ વિવાદને લઈને આ બનાવની જાણ થતા જ નબીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઝઘડો શાંત પાડ્યા બાદ પોલીસે ચારેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો પલામુના હૈદરનગરના રહેવાસી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.