
એલજેપી નેતા અનવર અલી ખાનની બદમાશોએ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના અમાસ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ ઘટના બાદ જીટી રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના બુધવારે બની હતી. અનવર અલી ખાન સલૂનમાં દાઢી કરાવી રહ્યાં હતા ત્યારે એક બાઈક પર 3 લોકો આવ્યાં હતા અને તેમની પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જે પછી તેઓ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યાં હતા અને મરી ગયા હતા.
અનવર અલી એલજેપી લેબર સેલના પ્રદેશ અધ્યક્ષ હતા. બજારમાં ફાયરિંગ થતાં જ થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો ભાગવા લાગ્યા, તો કેટલાક લોકોએ પોતાની દુકાનો બંધ કરી દીધી. આ ઘટના બાદ રોષે ભરાયેલા પરિવારજનો અને ગ્રામજનોએ નેશનલ હાઇવે-82ને બ્લોક કરી દીધો હતો. ઉશ્કેરાયેલા પરિવારજનો વિલંબ કર્યા વગર ગુનેગારોની ધરપકડ કરવાની માંગ પર અડગ છે.
ગયા સિટીના એસપી હિમાંશુએ જણાવ્યું હતું કે અનવર સલૂનમાં હજામત કરાવી રહ્યાં હતા ત્યારે ગુનેગારોએ અંધાધૂંધ ગોળીબાર કરી તેમની હત્યા કરી હતી. રોષે ભરાયેલા લોકોને નેશનલ હાઇવે જામ દૂર કરવા સમજાવવામાં આવી રહ્યા છે. હાલ સ્થિતિ કાબુમાં છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. સાથે જ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. પોલીસે મૃતદેહને અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેનો ખુલાસો થશે.
અનવર અલી ખાને ગુરુઆ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તે આ વિસ્તારનું જાણીતું નામ હતું, તેમની સામે અનેક ગુનાહિત કેસ પણ નોંધાયા હતા. હાલ તો પોલીસે આ ઘટનાને લઇને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.