બિહારમાં પેપર લીક વિરોધી કાયદો પસાર, બિનજામીનપાત્ર ગુનો

નીતીશ સરકારે બિહારમાં પેપર લીક કરનારાઓ પર કડક કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરી છે. હકીક્તમાં બુધવારે બિહાર વિધાનસભામાં પેપર લીક વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર થયા બાદ હવે રાજ્યમાં પેપર લીક કેસમાં દોષિતોને ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ અને ૧૦ વર્ષ સુધીની જેલ થશે.

આ કાયદા હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર હશે. નીતિશ સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે સરકાર ચોમાસુ સત્રના પહેલા જ દિવસે ત્રણ મોટા બિલ રજૂ કરશે, જેમાંથી એક પેપર લીક વિરોધી કાયદો હશે. આ કાયદા હેઠળ પેપર લીક કેસમાં દોષિત ઠરનાર અધિકારીઓ કે કાવતરાખોરોને ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ઉપરાંત, કોઈપણ વિદ્યાર્થી અથવા જૂથ માટે સજાની જોગવાઈઓ વધારી શકાય છે.

આ કાયદા અનુસાર, જો પરીક્ષામાં ભાગ લેનાર કોઈપણ કર્મચારી પેપર લીકમાં દોષી સાબિત થાય છે, તો તેના માટે ૧ કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે. તેમજ પરીક્ષામાં જે પણ ખર્ચ થશે તે તે જ કર્મચારીઓ પાસેથી વસૂલવામાં આવશે અને તેમને ચાર વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે બિહાર સરકાર પહેલા કેન્દ્ર સરકારે પણ પેપર લીક વિરોધી કાયદો બનાવ્યો હતો. એનઇટી યુજીસી એસએસસી યુપીએસસી રેલ્વે ભરતી, બેંકિંગ વગેરે જેવી પરીક્ષાઓના પેપર લીક કરનારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો હતો. મોદી સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેને પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ ૨૦૨૪ નામ આપીને પાસ કર્યું હતું અને આ વર્ષે જૂનમાં તેનો અમલ કરવામાં આવ્યો હતો.