બિહારમાં પાગલ પ્રેમીએ બે સગીર છોકરીઓ અને તેમના પિતાની છરીના ઘા મારીને હત્યા કરી

બિહારના સારણ જિલ્લામાં ટ્રિપલ મર્ડરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પાગલ પ્રેમીએ બે સગીર છોકરીઓ અને તેમના પિતાની છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી નાખી.

આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે સનકી પ્રેમી સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોતાની કસ્ટડીમાં લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે છાપરા સદર હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

ત્રણ લોકોની હત્યાનો આ મામલો સારણ જિલ્લાના રસુલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધનાડીહનો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ટ્રિપલ મર્ડર પ્રેમ પ્રકરણના કારણે થયું હતું. આરોપીએ એક વ્યક્તિ અને તેની બે સગીર છોકરીઓની નિર્દયતાથી હત્યા કરી છે. હુમલા દરમિયાન બાળકીની માતાએ કોઈક રીતે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘાયલ મહિલાની છાપરા સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પાગલ પ્રેમીએ સગીર પ્રેમિકા સાથે તેની નાની બહેન, પિતા અને માતા પર તીક્ષ્?ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જોકે, માતા કોઈક રીતે ભાગવામાં સફળ રહી હતી. બાળકીઓની માતા શોભા દેવીએ કહ્યું, ’રાત્રે લગભગ ૨ વાગે બે લોકો આવ્યા અને હુમલો કરવા લાગ્યા. હુમલાખોરોએ મારી બંને પુત્રીઓ અને મારા પતિ તેમજ મારા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. મેં કોઈક રીતે ભાગીને મારો જીવ બચાવ્યો અને ઘરની બહાર આવીને મદદ માટે બુમો પાડી આ પછી ગામલોકો એકઠા થઈ ગયા અને પોલીસને જાણ કરી.

ઇજાગ્રસ્ત શોભા દેવીના જણાવ્યા મુજબ, થોડા મહિના પહેલા તેની સગીર પુત્રી ચાંદની કુમારી આરોપી સુધાંશુ ઉર્ફે રોશન સાથે વાત કરતી હતી. પરંતુ થોડા મહિનાઓ સુધી મારી પુત્રીએ તેની સાથે વાત કરવાની ના પાડી. આ અંગે રોશને ધમકી પણ આપી હતી. મૃતકોમાં સગીર છોકરીઓ ચાંદની કુમારી (૧૭), આભા કુમારી (૧૫) અને છોકરીઓના પિતા તારકેશ્ર્વર સિંહનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્ત બાળકીઓની માતા શોભા દેવીની છપરા સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આ ઘટનામાં સામેલ પ્રેમી સુધાંશુ કુમાર ઉર્ફે રોશન અને તેના ભાગીદાર અંક્તિ કુમારની ધરપકડ કરી હતી. ઘટનામાં વપરાયેલ હથિયાર જપ્ત કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ ગામમાં પોલીસ ફોર્સ અને મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે.