પટણા, બિહારમાં લોક્સભાની ચૂંટણી માટે એનડીએમાં બેઠકોનું વિભાજન કરવામાં આવ્યું છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પાંચ બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપના બિહારના પ્રભારી વિનોદ તાવડેએ એનડીએના નેતાઓ સાથે પત્રકાર પરિષદમાં એનડીએ ગઠબંધનની તમામ બેઠકોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી અને એનડીએ ગઠબંધનમાં તમામ પક્ષોએ તેનો સ્વીકાર કર્યો છે.
ફોર્મ્યુલા મુજબ ભાજપ ૧૭ બેઠકો પર જ્યારે જેડીયુ ૧૬ બેઠકો પર ચૂંટણી લડશે. તે જ સમયે, ચિરાગ પાસવાનની પાર્ટીને ૫ બેઠકો, માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવામ મોર્ચા (એચએએમ) ને ૧ બેઠક અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને ૧ બેઠક આપવામાં આવી છે.
ચિરાગ પાસવાનની પાર્ટીના નેતા રાજુ તિવારીએ કહ્યું, ભાજપના ટોચના નેતૃત્વ સાથે વાતચીત બાદ અમને પાંચ બેઠકો મળી છે. હું ખાતરી આપવા માંગુ છું કે અમે માત્ર પાંચેય બેઠકો જ નહીં, પરંતુ બિહારની તમામ ૪૦ બેઠકો જીતીશું. આ દરમિયાન જેડીયુ નેતા સંજય ઝાએ કહ્યું કે આ વખતે બિહારમાં એક્તરફી ચૂંટણી છે અને એનડીએ તમામ ૪૦ સીટો પર જીત મેળવશે. રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ કહ્યું કે બિહારમાં ૪૦ બેઠકો જીતવાનું લક્ષ્ય છે. ગત વખતના ૩ ઘટક ઉપરાંત જીતનરામ માંઝી અને કુશવાહાની આરએલએમ પણ એનડીએમાં છે.