બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએ ગઠબંધનમાં સીટોના વિભાજનને લઇને મતભેદો ઉભા થયા છે, જે સતત વધી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને સોમવાર રાતે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત દરમિયાન ચિરાગ પાસવાને જેપી નડ્ડાને કહ્યું કે ભાજપ ઝડપથી સીટોના વિભાજન અંગે નિર્ણય કરે નહીં તો લોક જનશક્તિ પાર્ટી તમામ 143 સીટો ઉપર પોતાના ઉમેદવારોને ઉતારશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચિરાગ પાસવાને કહ્યું કે જેડીયુ લોક જનશક્તિ પાર્ટી સાથે ગઠબંધન કરવા નથી ઇચ્છતી. જેથી જેડીયુના ઉમેદવારો સામે એલજેપી પોતાના ઉમેદવારોને ઉતારી શકે છે
મંગળવારે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શાહનવાઝ અહમદે કહ્યુ હતું કે ચિરાગ પાસવાન જ પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. એલજેપી દ્વારા આ નિવેદન ત્યારે આપવામાં આવ્યું હતું જ્યારે એનડીએ ગઠબંધનમાં સીટોને લઇને ખેંચતાણ શરુ થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચિરાગ પાસવાને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પણ આ બાબતે પત્ર લખ્યો હતો