બિહાર / લઠ્ઠાકાંડમાં માનવાધિકાર પંચની સક્રિયતાની ટીકા, ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયેલો ત્યારે પંચ સૂઈ ગયેલું?

પટણા,

બિહારના છપરામાં ઝેરી દારૂ પીવાથી ૫૩ લોકોનાં મોત થયાં એ મુદ્દો ગરમ થઈ રહ્યો છે ત્યારે હવે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ આ મુદ્દામાં કૂદી પડ્યું તેની ટીકા થઈ રહી છે. પંચે આ ઘટનાની સુઓ મોટો નોંધ લઈને બિહારના ચીફ સેક્રેટરી તથા પોલીસ વડાને નોટિસ ફટકારીને વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, ગુજરાતમાં છ મહિના પહેલાં લઠ્ઠાકાંડ થયેલો ત્યારે માનવાધિકાર પંચ સૂઈ ગયેલું.

હવે બિહારના લઠ્ઠાકાંડમાં તેને માનવાધિકાર યાદ આવી ગયા છે. પંચે ઘટનામાં નોંધાયેલી એફઆઈઆર તથા પીડિતોને અપાયેલી સારવારની પણ વિગતો માંગી છે. બિહારના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં ૫૩ લોકોના મોત થઈ ચૂક્યા છે. કેટલાય લોકોની આંખોની રોશની જતી રહી છે.લઠ્ઠાકાંડમા માર્યા ગયેલા લોકોના પરિવારને વળતરની માંગે પણ જોર પકડ્યું છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, દારૂ પીવાથી થયેલાં મોત પર વળતર નહીં મળે અને જે દારૂ પીશે, તે મરશે. ભાજપના નેતા આ મુદ્દે નીતિશને જવાબદાર ગણાવીને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.