
બેતિયા,
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે, બિહારમાં આજે પણ જંગલરાજ છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના રાજમાં પહેલા અપરાધીઓ પિસ્તોલથી વેપારીઓ અને લોકોને લૂંટતા હતા. હવે મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજમાં અધિકારી કલમથી જનતાને લૂંટી રહ્યા છે.
પીકેએ બેતિયામાં લોકોને સંબોધિત કરતા કહ્યું કે, બિહારમાં હજુ પણ જંગલરાજ ખતમ નથી થયું. બસ લૂંટવાની રીત બદલાઈ ગઈ છે. લાલુ યાદવ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુનેગારો ખુલ્લેઆમ લોકોને બંદૂકો અને અન્ય હથિયારોથી લૂંટતા હતા. દુકાનો પર જઈને વસૂલી કરતા હતા.
પીકેએ કહ્યું કે, હવે નીતીશ કુમારના અધિકારીઓ જનતાને લૂંટી રહ્યા છે. લોકોને બંદૂકોથી નહીં પરંતુ કલમથી લૂંટવામાં આવી રહ્યા છે. આજે કોઈ પણ સરકારી કામ કરાવવું હોય કે, યોજનાનો લાભ લેવો હોય તો પૈસા ખવડાવવા પડે છે. બિહારમાં ભ્રષ્ટાચાર ચરમ પર છે.
હાલમાં જ પ્રશાંત કિશોરે પણ બિહારના રસ્તાઓની તુલના જંગલરાજ સાથે કરી હતી. પીકેએ કહ્યું કે તેઓ લગભગ દોઢ મહિનાથી પદયાત્રા કરી રહ્યા છે, ગામડાઓમાં રસ્તાઓની હાલત લાલુ યાદવના જંગલરાજ જેવી છે. પીકે કહે છે કે તે દરરોજ ૨૦ થી ૨૫ કિલોમીટર ચાલે છે, પછી ત્રણ-ચાર દિવસ વચ્ચે એક દિવસ આરામ કરે છે. રસ્તામાં આવતા ગામડાના લોકો સાથે વાત કરી તેમની સમસ્યાઓ એકઠી કરી.