
પટણા,
બિહારમાં ગુનાખોરી અને દારૂબંધીનો મુદ્દો ગરમાયો છે. વિપક્ષ સતત બિહાર સરકાર અને મુખ્યમંત્રી નીતિશ કુમારને ઘેરી રહ્યું છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે. ત્યાં થોડા દિવસો પહેલા આરએસ ભાટીએ બિહારના નવા ડીજીપી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. બીજેપી પ્રવક્તા નિખિલ આનંદે ફરી એકવાર સીએમ નીતીશ પર પ્રહાર કરતા શનિવારે કહ્યું કે, ડીજીપી બદલવાથી કાયદો અને વ્યવસ્થામાં સુધારો નથી થવાનો. તેમણે નીતીશ કુમારના રાજીનામાની માંગ કરતા ફરી બિહારને બચાવવાની વાત કરી છે. આ સાથે જ તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાની પણ વાત થઈ છે.

એક ટ્વીટમાં વીડિયો જાહેર કરતી વખતે નિખિલ આનંદે કહ્યું કે, બિહાર ફરીથી અંધકાર યુગમાં પરત ફરી રહ્યું છે. લોકો સાંજ પડતાં જ ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. નીતીશજીને હાથ જોડીને વિનંતી છે કે બિહારને બચાવવા માટે તેઓ રાજીનામું આપી આશ્રમમાં ચાલ્યા જાઓ. પછી ભલે તેજસ્વીને સીએમ બનાવી દેવો. એકંદરે બીજેપી તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાના ફેવરમાં છે. આ પહેલા પ્રશાંત કિશોરે પણ મુખ્યમંત્રી નીતિશ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, તેજસ્વી યાદવને અત્યારે જ મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ. વર્ષ ૨૦૨૫ની રાહ જોવાની જરૂર નથી. નીતિશ કુમારે બિહારની હાલત બગાડી નાખી છે.
છેલ્લા દિવસોમાં જ પૂર્વ ડીજીપી એસકે સિંઘલનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો ત્યારબાદ આરએસ ભાટીએ નવા ડીજીપી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ભટ્ટીના આગમનથી બિહારની કાયદો અને વ્યવસ્થા સુધરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ભાજપ ફરી પ્રહારો કરતા કહ્યું કે, નીતશ કુમાર ડીજીપીને બદલીને શું કરશે. બિહારની દશા સુધરવાની નથી. સીએમ નીતિશ રાજીનામું આપશે ત્યારે જ આમાં સુધારો થશે.