બિહાર: બાગેશ્ર્વર ધામના વડા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ, હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

મુઝફરપુર,બિહારના મુઝફરપુરની એક કોર્ટમાં બાગેશ્ર્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સોમવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શાસ્ત્ર્રીએ કથિત રીતે પોતાને હનુમાનનો અવતાર ગણાવીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

સ્થાનિક એડવોકેટ સૂરજ કુમાર દ્વારા મુઝફરપુરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (વેસ્ટ)ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અરર્જીક્તાએ દાવો કર્યો છે કે, ધીરેન્દ્રએ ૨૪ એપ્રિલે રાજસ્થાનમાં એક સભામાં ભગવાન હનુમાનના ’અવતાર’ હોવાનો દાવો કર્યો હતો, જે હિન્દુઓની ધાર્મિક માન્યતાઓનું અપમાન હતું.

તેણે શાસ્ત્રી સામે ભારતીય દંડ સંહિતાની કલમો ૨૯૫છ (ધાર્મિક માન્યતાઓનું અપમાન), ૨૯૮ (ધાર્મિક લાગણીઓને ભડકાવવાના હેતુવાળા શબ્દો) અને ૫૦૫ (ખોટી માહિતી વગેરેથી ખલેલ પહોંચાડવાની શક્યતા) હેઠળ કેસ દાખલ કર્યો હતો. કોર્ટે કેસની સુનાવણી માટે ૧૦ મેની તારીખ નક્કી કરી છે.

સંજોગવશાત, ધીરેન્દ્ર ૧૩ મેથી પટનામાં પાંચ દિવસીય ’મંડલી’નું આયોજન કરવાના છે, પરંતુ તેમની પ્રસ્તાવિત મુલાકાતને રાજ્યમાં સત્તારૂઢ રાષ્ટ્રીય જનતા દળ (RSJ ) તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે.

બિહારના પર્યાવરણ પ્રધાન તેજ પ્રતાપ યાદવે, જેઓ પોતે ખૂબ જ ધાર્મિક માનવામાં આવે છે, તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીની મુલાકાતનો વિરોધ કરવાની અને પટના એરપોર્ટ પર જ તેમનો ઘેરાવ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ભગવાન હનુમાનને સમર્પિત બાગેશ્ર્વર ધામ તીર્થસ્થળના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.