વોશિગ્ટન, ઇઝરાયેલની સેના ગાઝા પટ્ટીમાં રફાહમાં ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે અમેરિકાએ પેલેસ્ટિનિયન નાગરિકોની સુરક્ષા કરવા વિનંતી કરી છે. યુએસ પ્રમુખ જો બિડેને રવિવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને જણાવ્યું હતું કે ઇઝરાયેલે રફાહમાં ૧૦ લાખ શરણાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિશ્ર્વસનીય યોજના વિના લશ્કરી કાર્યવાહી શરૂ કરવી જોઈએ નહીં, વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું.
વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ બિડેન અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત લગભગ ૪૫ મિનિટ ચાલી. આ દરમિયાન બદીને ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં પેલેસ્ટિનિયન નાગરિકોના વધતા જતા મૃત્યુ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. બિડેન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે બિડેન અને નેતન્યાહુની વાટાઘાટો મુખ્યત્વે ગાઝામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા બાકીના ૧૩૨ બંધકોને મુક્ત કરવાના ચાલુ પ્રયાસો પર કેન્દ્રિત છે.
અધિકારીએ કહ્યું કે તાજેતરના અઠવાડિયામાં બંધકોને મુક્ત કરવાની દિશામાં સારી પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે બંધકોની મુક્તિ માટે મોટાભાગે સહમતી બની છે. તેમણે કહ્યું કે ચર્ચા દરમિયાન, રાષ્ટ્રપતિ બિડેને શક્ય તેટલી વહેલી તકે તમામ બંધકોની મુક્તિની ખાતરી કરવા માટે આ પ્રગતિને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ઇઝરાયેલી સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે ગાઝા હેડક્વાર્ટરની નીચેથી સેંકડો મીટર લાંબી અને આંશિક રીતે પસાર થતી ટનલ નેટવર્કની શોધ કરી છે. સુરક્ષા દળોએ આરોપ લગાવ્યો હતો કે હમાસ પેલેસ્ટાઈનીઓને મદદ કરવા માટે રચાયેલી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનો દુરુપયોગ કરી રહ્યું છે. સેનાના એન્જિનિયરોએ વિદેશી સમાચાર સંસ્થાઓના પત્રકારોને તે ટનલ પણ બતાવી. ઈઝરાયેલની સેનાએ આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સહાય એજન્સી પર તેના કર્મચારીઓ ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલના આ રિપોર્ટ બાદ અમેરિકા સહિત લગભગ એક ડઝન દેશોએ યુએનઆરડબ્લ્યુએને આપવામાં આવતી મદદ બંધ કરી દીધી છે.