બાઈડેનના વિકલ્પ તરીકે કમલા હેરિસનો દાવો નબળો, રેસમાં ત્રણ નવા દાવેદાર

અમેરિકામાં ૨૦૨૪ની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ડેમોક્રેટિક કેમ્પમાં અટકળો શરૃ થઇ ગઈ છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનને વધતી જતી ઉંમર, દેશમાં નોકરીમાં નકારાત્મક વૃદ્ધિદર અને ડેમોક્રેટિક મતદારોનો ઘટતો વિશ્વાસ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બાઈડેને જાહેરાત કરી છે કે તેઓ ફરીથી ચૂંટણી લડશે. તેમની મંજૂરી રેટિંગ ૩૫% પર રહે છે, જે ૨૦૧૯માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બરાબર છે. આ તમામ બાબતોને જોતાં ડેમોક્રેટિક કૉકસ લીડરશિપે બાઈડેનના વિકલ્પ શોધવાનું શરૃ કર્યું છે. જેમાં વર્તમાન ઉપપ્રમુખ કમલા હેરિસનો દાવો નબળો પડતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત, બાઈડેનના વિકલ્પ તરીકે ૩ નવા નામો સામે આવી રહ્યાં છે.

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ઘણી વખત કહી ચૂકયાં છે કે તેઓ રાષ્ટ્રપતિ બાઈડેનનું સ્થાન લેવા તૈયાર છે. તેમ છતાં, પાર્ટી તેમને બાઈડેનના વિકલ્પ માનતી નથી. ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ પોતાની પાર્ટીમાં અને દેશના લોકોમાં લોકપ્રિયતા મેળવવામાં સફળ રહ્યાં નથી. વળી, અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ વિદેશમાં જોવા મળ્યું નથી.કમલા હેરિસની લોકપ્રિયતા ઘટી છે. તેઓ સૌથી ઓછાં લોકપ્રિય ઉપરાષ્ટ્રપતિઓમાંના એક છે.

તાજેતરના સીબીએસ ન્યૂઝ-યુગોવ પોલમાં ૩૫% કરતાં ઓછા લોકોએ તેમને અનુકૂળ બતાવ્યાં, જે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ કરતાં ઓછાં છે. આ સિવાય પૂર્વ સ્પીકર નેન્સી પેલોસીએ પણ હેરિસનું સમર્થન કરવાનું બંધ કરી દીધું છે.ડેમોક્રેટિક કોકસ લીડરશિપે બાઈડેનનો વિકલ્પ શોધવાનું શરૃ કર્યું છે. આ રેસમાં ત્રણ નામો સામે આવી રહ્યાં છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ, મિશિગનના ગવર્નર ગ્રેટચેન વ્હાઇટમર અને ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી પીટ બુટ્ટીગીગ. ન્યૂસમ સૌથી આગળ છે. તેમણે પોતાને બાઈડેનના વિકલ્પ તરીકે રજૂ કરવાનું શરૃ કર્યું છે. તાજેતરમાં તેમણે ફ્લોરિડાના ગવર્નર અને રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર રોન ડીસેન્ટિસ સાથે ખુલ્લી ચર્ચા કરી હતી