ભાવનગરમાં પ્રેમિકાના ઘરની બહાર જ યુવકનો આપઘાત, વીડિયોમાં યુવતીના પરિવારને દોષિત ગણાવ્યાં

  • પ્રેમિકાના ઘરની સામે યુવકે કર્યો આપઘાત
  • આપઘાત પહેલા યુવકે બનાવ્યો વીડિયો
  • વીડિયોમાં યુવતીના પરિવારને દોષિત ગણાવ્યાં
  • પરિવારે સંબંધ માટે ઈનકાર કરતા યુવકનો આપઘાત

ગુજરાતમાં આપઘાતના કિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગરમાંથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના અધેલાઈ ખાતે આપઘાતની ઘટનાનો અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમિકાના પરિવારે લગ્ન માટે ઈનકાર કરતા પ્રેમીએ પ્રેમીકાના ઘરની સામે જ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં યુવકે બે-ત્રણ લોકોને દોષિત ગણાવ્યા હતા.

આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં યુવકે કહ્યું કે, ‘વિજયભાઈ વલ્લભભાઈ ઝાંપડિયા અને સંજય દાદા હું તમારા બંનેના કારણે આપઘાત કરું છું. તમે બંને મને હેરાન કરતા હતા, મને ભાવનગર હીરા ઘસવા આવવા નહોતા દેતા. હું અને તમારી દિકરી બંને ભાગી ગયા ત્યારે તમે કહ્યું હતું કે હું 10 દિવસમાં લગ્ન કરાવી દઈશ, પરંતુ 2 મહિના થવા છતાં લગ્ન કરાવ્યા નથી, એટલે હું મરી જાવ છું. વિજયભાઈ વલ્લભભાઈ તમે ધ્યાન રાખજો તમને જેલના સળિયા ગણાવવાના છે, બસ આ મારો છેલ્લો વીડિયો છે.’

ભાવનગરના અધેલાઈ ખાતે રહેતા રોશન દિનેશભાઈ તલાવીયાને ગામની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદ યુવતી ઘરેથી ભાગીને રોશનના ઘરે રહેવા જતી રહી હતી. જેથી યુવતીના પરિવારજનો બંનેના લગ્ન કરાવવી આપવાનું કહીને યુવતીને પરત ઘરે લઈ ગયા હતા. જોકે, બાદમાં યુવતીના પરિવાજનો ફરી ગયા હતા અને લગ્નનો ઇનકાર કર્યો હતો. 
 

જેથી રોશન તલાવીયાએ યુવતીના ઘરની સામે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે બે-ત્રણ વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હાલ પોલીસે આ વીડિયોને આધારે તપાસ હાથ ધરી છે.