‘ભૂવો લગ્ને-લગ્ને કુંવારો, તેણે જ મારી દીકરીને મારી’:પિતા પર મેલી વિદ્યા થઈ છે કહી જાળમાં ફસાવી, ભૂવા સાથે રહેતી યુવતીએ હોળીના દિવસે ઝેરી દવા પીતાં મોત

રાજકોટમાં અંધશ્રદ્ધાએ વધુ એક શિક્ષિત યુવતીનો ભોગ લીધો છે. શહેરના મવડીમાં રહેતા ભૂવાએ નર્સિંગનો અભ્યાસ કરી ચુકેલી યુવતીને તારા પિતા ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે તેમનું મૃત્યુ થશે તેને બચાવવા માટે તારે મારી પાસે આવી વિધિ કરાવવી પડશે કહી જાળમાં ફસાવી હતી. બાદમાં યુવતી પરિવારને છોડી આ ભૂવા સાથે રહેવા લાગી હતી. દરમિયાન ગત 13 તારીખે હોળીના દિવસે ભૂવાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ગઇકાલે(17 માર્ચ) તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવતીને મરવા મજબુર કરવા બદલ ભૂવા કેતન સાગઠીયા સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

થોડા સમય પહેલાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરિવારનો આક્ષેપ છે કે ભૂવાએ તેમની દીકરીને મારી નાખી છે. થોડા સમય પહેલા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે પણ સુસાઇડ નોટ લખી હતી. જેમાં ભૂવો શારિરીક-માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

હોળીના દિવસે ભૂવાના ઘરે ઝેરી દવા પીધી હતી રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ગેલ પાનવાળી શેરીમાં રહેતા કેતન સાગઠીયા નામના ભૂવા સાથે રહેતી 26 વર્ષીય નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીએ હોળીના દિવસે સાંજના સમયે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે રાત્રિના દમ તોડી દેતા મોત નીપજ્યું હતું અને બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ આવી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક યુવતીના પિતાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે મારી દીકરીએ નર્સિંગનો અભ્યાસ કરેલો છે. તે મવડી સ્મશાન નજીક ભૂવાનું કામ કરતા કેતન સાગઠિયાના સંપર્કમાં આવી ગઈ હતી. આ ભૂવાએ મારી દીકરીને જણાવ્યું હતું કે તારા પિતા પર કોઈએ મેલી વિદ્યા કરી દીધી છે તેનું મોત નિપજવાનું છે, મારી પાસે વિધિ કરાવ તો સારું થઇ જશે. છેલ્લા એકાદ વર્ષથી મારી દીકરી તેની સાથે રહેવા લાગી હતી. ભૂવાને બે-બે પત્ની છે, આમ છતાં મારી દીકરીને ફસાવી છે. તે લગ્ન-લગ્ને કુંવારો છે, ખોટા ધંધા કરે છે. દારૂના પણ ધંધા કરે છે અને તે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. મારી દીકરીને ભૂવાએ જ મારી છે, અમને ન્યાય જોઈએ છે.

શરીર પર માર માર્યાનાં નિશાન જયારે મૃતકની પિતરાઈ બેને રડતાં રડતાં અમારે ન્યાય જોઈએ છે મારી બેન સાથે બની ગયું છે હવે બીજા સાથે આવું ન બને તેવું અમે ઇચ્છીએ છીએ. મારી બેનને ભૂવો શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. આજે મૃત્યુ થયા પછી પણ તેના શરીર ઉપર માર માર્યાનાં નિશાન પણ જોવા મળી રહ્યાં છે. આ અગાઉ 3-4 મહિના પહેલાં પણ સુસાઇડ નોટ લખી મારી બેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ સમય પછી અમારી સાથે રહેતી હતી અને ત્યાર બાદ ફરી તેની પાસે રહેવા લાગી હતી.

ગઇકાલે(17 માર્ચ) રાજકોટનાં હરિધવા મેઈન રોડ ઉપર નવનીત હોલવાળી શેરીમાં મોરારિ- 3માં મા મસાણી મકાનમાં રહેતો ભૂવો મહેશ મનજી વાળા છેલ્લાં 10 વર્ષથી લોકોનાં દુઃખ દર્દ મટાડવાના નામે રૂ.5100થી 35000 સુધીની ફી વસૂલી છેતરપિંડી કરતો હતો. જેનો પર્દાફાશ કરવા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સહિતની ટીમે મેટોડામાં છટકું ગોઠવ્યું હતું. જ્યાં પતિ-પત્નીના ઝઘડાની સમસ્યા દૂર કરવા ભૂવાને બેઠક માટે બોલાવવામાં આવ્યો. ત્યાર બાદ રંગેહાથ ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં જાથાએ 1264મું ધતિંગ ખુલ્લું પાડ્યું છે.

ઘટના અંગે અગાઉથી જાણ કરેલી હોવાથી મેટોડા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને ભૂવા ઉપરાંત તેની સાથેના ચાર સાગરીતોને મેટોડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. અહીં ભૂવાએ કબૂલાત આપી હતી કે, લોકોનાં દુઃખ-દર્દ દૂર કરવા માટે દોરા કરવાના નામે રૂ. 5100ની ફી વસૂલતો હતો. જોકે હવે આ તમામ પ્રવૃત્તિ બંધ કરી લોકોની માફી માગું છું. આ વચ્ચે ભૂવાનો એક અશ્લીલ વીડિયો પણ સામે આવ્યો હતો.