ભૂતપૂર્વ મેયરની મુશ્કેલીમાં વધારો, પાલિકાએ કાર્યવાહી કરી

મુંબઈ,

મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેનાનાં નેતા કિશોરી પેડણેકરના વરલીના ગોમાતા નગરના ઘર અને ઓફિસ પર મુંબઈ મહાગનરપાલિકાએ કાર્યવાહી કરી છે અને આ બંને જગ્યાનો તાબો પાલિકાએ લીધો હોવાનું જાણવા મળ્યું હતું.વરલીમાં એસઆરએ પ્રોજેક્ટના ગાળામાં કિશોરી પેડણેકરે ઘૂસણખોરી કરીને તેને તાબામાં લઈ લીધો હોવાનો આરોપ ભાજપના નેતાએ બે વર્ષ પહેલાં કર્યો હતો. પેડણેકરે લાંબા સમયથી આ ઘર પર કબજો કર્યો હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો હતો.

મળેલી માહિતી મુજબ આ ઘર એસઆરએ હેઠળ ગંગારામ નામની વ્યક્તિને ઘર મળ્યું હતું. આ શખસે અહીં રહેવાને બદલે તે ઘર કિશોરી પેડણેકરને રહેવા માટે આપી દીધું હોવાનું પાલિકાને જણાઈ આવ્યું હતું. તેથી ગંગારામે એસઆરએ નિયમનું ઉલ્લંઘન કર્યો હોવાનો અહેવાલ પાલિકાના સહકાર વિભાગે એસઆરએ અધિકારીને રજૂ કર્યો હતો. તપાસ બાદ એસઆરએ વિભાગે પાલિકાના જી-દક્ષિણ વિભાગને પત્ર દ્વારા તેની જાણ કરી હતી. તે મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે કિશોરી પેડણેકરનો સંપર્ક થઈ શક્યો નહોતો.