ભૂતપૂર્વ મુખ્યમંત્રીથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધીના ૨૮૦ નેતાઓ પહેલીવાર લોક્સભામાં ચૂંટાયા

લોક્સભાની ચૂંટણીમાં ૨૮૦ વિજેતાઓ છે, જેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, ફિલ્મ સ્ટાર્સ, રાજકીય કાર્યકરો અને હાઈકોર્ટના ભૂતપૂર્વ જજનો સમાવેશ થાય છે જેઓ પહેલીવાર સંસદના નીચલા ગૃહના સભ્ય બનશે. ઉત્તર પ્રદેશ લોક્સભા માટે સૌથી વધુ ૮૦ સભ્યોને ચૂંટે છે અને ૧૮મી લોક્સભા માટે રાજ્યમાંથી ચૂંટાયેલા ૪૫ સભ્યો એવા છે કે જેઓ પ્રથમ વખત સંસદના નીચલા ગૃહમાં તેમની હાજરી ચિહ્નિત કરશે. તેમાં લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ (મેરઠ), લોકપ્રિય અમેઠી બેઠક પરથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને હરાનાર કોંગ્રેસ નેતા કિશોરી લાલ શર્મા, દલિત અધિકાર કાર્યર્ક્તા અને આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખરનો સમાવેશ થાય છે. નગીના સીટ પરથી આઝાદનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાંથી ૩૩ લોક્સભા સભ્યો પ્રથમ વખત ચૂંટાયા છે, જેમાં શાળાના શિક્ષક ભાસ્કર ભગરેનો સમાવેશ થાય છે, જેમને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) દ્વારા ડિંડોરીની આદિવાસી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભગરેએ બીજેપી નેતા ભારતી પવારને હરાવ્યા. મહારાષ્ટ્રમાંથી પહેલીવાર લોક્સભામાં ચૂંટાયેલા સભ્યોમાં મુંબઈ ઉત્તરથી ભાજપના પીયૂષ ગોયલ, અમરાવતીથી કોંગ્રેસના નેતા બલવંત વાનખેડે, અકોલાથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજય ધોત્રેના પુત્ર અનુપ ધોત્રે અને સાંગલીથી અપક્ષ સભ્ય વિશાલ પાટીલનો સમાવેશ થાય છે.

પહેલીવાર લોક્સભામાં પહોંચેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોમાં નારાયણ રાણે (રત્નાગિરી-સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર), ત્રિવેન્દ્ર સિંહ રાવત (હરિદ્વાર, ઉત્તરાખંડ), મનોહર લાલ (કરનાલ, હરિયાણા), બિપ્લબ કુમાર દેબ (ત્રિપુરા પશ્ર્ચિમ, ત્રિપુરા)નો સમાવેશ થાય છે. જીતન રામ માંઝી (ગયા, બિહાર), બસવરાજ બોમાઈ (હાવેરી, કર્ણાટક), જગદીશ શેટ્ટર (બેલગામ, કર્ણાટક), ચરણજીત સિંહ ચન્ની (જલંધર, પંજાબ). તે જ સમયે, અભિનય સાથે સંકળાયેલા અને પહેલીવાર લોક્સભામાં ચૂંટાયેલાઓમાં કેરળની ત્રિશૂર સીટથી સુરેશ ગોપી અને હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ચૂંટાયેલા કંગના રનૌતનો સમાવેશ થાય છે.

રાજ્યસભાના સભ્યો અનિલ દેસાઈ (શિવસેના યુબીટી), ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલા પણ પહેલીવાર લોક્સભામાં પ્રવેશ્યા છે. પ્રથમ વખત દેશની સૌથી મોટી પંચાયતના સભ્ય બનેલા ભૂતપૂર્વ રાજવી પરિવારોના સભ્યોમાં છત્રપતિ શાહુ (કોલ્હાપુર), યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર (મૈસુર) અને કૃતિ દેવી દેબબરમન (ત્રિપુરા પૂર્વ)નો સમાવેશ થાય છે. પશ્ર્ચિમ બંગાળની તાલમુક લોક્સભા સીટ પરથી જીતેલા કલકત્તા હાઈકોર્ટના પૂર્વ જજ અભિજીત ગંગોપાધ્યાય પણ પહેલીવાર સાંસદ બન્યા છે.