પારો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે ભુટાન પહોંચ્યા છે. ભુટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ પારો એરપોર્ટ પર ગળે મળીને તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. તેમને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું.વડાપ્રધાન મોદીનું ભુતાનમાં પરંપરાગત રીતે સ્વાગત આ દરમિયાન ભુટાનના લોકોનું કહેવું છે કે તેઓ મોદીની મુલાકાતથી ઘણા ખુશ છે. ભારત અને ભુટાન વચ્ચેના સંબંધો પહેલાથી જ મજબૂત છે. મોદીની મુલાકાત તેને વધુ મજબૂત બનાવશે.
મળતી માહિતીઅનુસાર,મોદી ૨૨-૨૩ માર્ચે ભુટાનમાં હશે. અગાઉ તેમની મુલાકાત ૨૧-૨૨ માર્ચે થવાની હતી. પરંતુ ભુટાનના પારો એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. ભુટાનના સમગ્ર પ્રવાસ વિશે માહિતી આપતાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા એકસ પર લખ્યું હું ભારત-ભુટાનની ભાગીદારીને વધુ મજબૂત કરવા ઘણા કાર્યક્રમોમાં ભાગ લઈશ. ભુટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગેને સત્તાવાર રીતે મળીને ઘણા મુદ્દાઓ પર વિગતે ચર્ચા કરશે.
મોદી ભુટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેના આમંત્રણ પર ભુટાન પહોંચ્યા છે. વડાપ્રધાન તોબગે ૫ દિવસ (૧૪-૧૮ માર્ચ) માટે ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે મોદીને ભુટાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. જાન્યુઆરી-૨૦૨૪માં પીએમ બન્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હતી. તોબગે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીને મળ્યા હતા. અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. તોબગેએ ઉદ્યોગના અનેક અગ્રણીઓ સાથે બેઠકો પણ યોજી હતી.
ઐતિહાસિક રીતે, ભુટાન હંમેશા ભારતની નજીક રહ્યું છે, જોકે ભારતે તેની વિદેશ નીતિમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી. માત્ર અને માત્ર આઠ લાખની વસ્તી ધરાવતું ભુટાન બિન-જોડાણવાળી નીતિ ધરાવે છે. અમેરિકા, ચીન, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા સાથે તેના રાજદ્વારી સંબંધો નથી. ૧૯૪૯માં ભારત અને ભુટાન વચ્ચે વિદેશ નીતિ, વેપાર અને સુરક્ષાને લઈને એક સંધિ થઈ હતી. વર્ષ-૨૦૦૭માં વિદેશ નીતિની જોગવાઈ દૂર કરવામાં આવી હતી. ભારત હવે ભુટાનનું સૌથી મોટું રાજદ્વારી અને આથક ભાગીદાર છે.
ભારતના અરુણાચલ પ્રદેશની સરહહ ભુટાનની પૂર્વ સરહદને મળે છે. ચીનની યોજના અરુણાચલ પ્રદેશ પર કબજો કરવાની છે, જેથી તે ભુટાનનો પાડોશી બની જાય. ચીન ભુટાનના પશ્ર્ચિમ ભાગમાં વ્યૂહાત્મક પોઈન્ટથી જોડવા માટે પહેલાથી જ મોટા પાયા પર રસ્તાઓનું નિર્માણ કરી રહ્યું છે.મળતી માહિતી અનુસાર, પાડોશી દેશ ચીન ડોકલામથી ગામડાઓ સુધી તેના રસ્તાઓનું વિસ્તરણ કરવા માંગે છે. જેની સુરક્ષા હાલમાં ભારતીય સેના પાસે છે. સિલિગુડી કોરિડોરની નજીક જવાનો ચીનનો પ્રયાસ ભારત અને ભુટાન બંને માટે સુરક્ષા માટે ખતરો છે. ચીન આ ક્ષેત્રમાં પોતાની રેલવે લાઈનોનું નેટવર્ક વધારી રહ્યું છે. જેનાથી તેની સેનાને યુદ્ધના સમયમાં મોટો ફાયદો મળી શકે છે.