ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરિયાનો સમાવેશ કરાયો

ગાંધીનગર,

૧૫મી વિધાનસભામાં જંગી જીત બાદ ભાજપે સાતમી વખત ગુજરાતમાં સત્તા કબજે કરી છે. રાજ્યમાં મહાજીત બાદ ગાંધીનગરમાં આજે શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્ર પટેલે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે અન્ય ૧૬ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક માત્ર મહિલાને કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રી બનનાર ભાનુબેન બાબરિયાએ જણાવ્યુ હતુ કે, મારા મતદારોએ મારા પર વિશ્ર્વાસ મુક્યો તેના કારણે હું અહીં સુધી પહોંચી છુ. તેમણે જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટી પર જનતાએ વિશ્ર્વાસ મુક્યો છે ત્યારે તેમની અપેક્ષાઓ પર પાર પડવા માટે હું પક્ષ સાથે મળીને તમામ પ્રયત્નો કરીશ.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત નવા પ્રધાન મંડળે આજે શપથ ગ્રહણ કર્યા છે. તો આ નવા પ્રધાન મંડળમાં એક માત્ર મહિલા પ્રધાન ભાનુબેન બાબરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય છે. રાજકોટ જિલ્લાના ૮ પૈકી એક માત્ર ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્યના મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાનુબેન બાબરિયાએ એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

ભાનુબેનએ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા વશરામ સાગઠીયાને હરાવ્યા છે. ભાનુબેનને ૧,૧૯,૬૯૫ મતો મળ્યા અને ૪૮,૯૪૬ મતોની સરસાઈથી તેઓ જીત્યા. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવારને ૨૯,૦૦૦ વોટ મળ્યા હતા. આવી સ્થિતિમાં ભાનુબેન બાબરીયાનો મોટો વિજય થયો હતો. ૨૦૧૨ની ચૂંટણીમાં ભાનુબેન ૧૧,૪૬૬ મતોની સરસાઈથી જીત્યા હતા.