ભૂપેન્દ્ર ’દાદા’ની સરકારે ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કોંગ્રેસ દ્વારા ગૃહમાં ૩૦૦ યુનિટ સુધી વીજ બીલ માફ કરવા અંગે પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી.

કનુભાઈ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજબિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજબિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે .

કનુભાઈ દેસાઈએ પેટા પ્રશ્ર્નોનો જવાબ આપતા કહ્યું હતું કે, ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજ રેગ્યુલેટરિટીના નિયત કરેલા દર મુજબ જ વીજળીની ખરીદી કરવામાં આવે છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ ૨૦૦૭માં ૧૦ ટકા હતો જેને વર્ષ ૨૦૧૨માં ઘટાડીને ૭.૫૦ ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ ૨૫૦ યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી. જ્યારે શહેરી વિસ્તારમાં અગાઉની સરકારમાં વર્ષ ૧૯૮૦માં ૪૦ ટકા વીજ કર વસૂલવામાં આવતો હતો, જે અમારી સરકારે ગ્રાહકોના હિતમાં વર્ષ ૨૦૦૬માં ૨૦ ટકા અને વર્ષ ૨૦૧૨માં તેમાં પણ ઘટાડો કરીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે.

મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૬૬૩૭ ખેડૂતોને વીજ બીલમાં વાષક ૧.૬૭કરોડની રાહત મળી છે. પાટણ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૧૩૧૦૯ ખેડૂતોને વીજ બિલમાં વાષક ૬.૦૫ કરોડની રાહત આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ૧૬૨૩૨૫ ખેડૂતોને વીજબિલમાં વાષક ૧૬.૯૦ કરોડની ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવી છે.