ભૂલથી ગર્ભ રહી ગયાની ભીતિ દૂર કરવાનો નવો ક્રાંતિકારી ઇલાજ

એક દિવસ હું અમારા ફેમિલી ડોકટરની કિલનિકમાં બેઠી હતી. એટલામાં ત્યાં અમારી પાડોશમાં રહેતી પૂર્ણિમા આવી. તેના લગ્નને માંડ છ મહિના જ થયા હશે. દવાખાનામાં પ્રવેશતાની સાથે જ પૂર્ણિમાએ પોતાની સમસ્યા વર્ણવી, ડોકટર,ગઇકાલે રાત્રે સમાગમ પૂર્વે હું મારી પરિવાર નિયોજનની ગોળી લેતા ભૂલી ગઇ હતી.

શું મને ગર્ભ રહી ગયો હશે ? અને એ વાત કેટલી ઝડપથી જાણી શકાશે ? મારા અભ્યાસનું છેલ્લું વરસ છે અને ચાર – પાંચ મહિના પછી મારી પરીક્ષા આવે છે. આથી હમણાં મહિના રહે એ મતે પાલવે તેમ નથી. મને ઝડપથી કોઇ માર્ગ બતાવો. હું ખૂબ જ ડરી ગઇ છું.ડૉકટરે પૂર્ણિમાને શાંત પાડી કેટલાંક મુદ્દાઓ સમજાવ્યા. નસીબ જોગે પૂર્ણિમાનો ફર્ટાઇલ પિરિયડ (સ્ત્રી ગર્ભવતી બને તે માટે સૌથી અનુકુળ હોઇ તેવો સમય ગાળો) નહોતો આથી ગર્ભ રહેવાની શકયતા નહીંવત હતી. પરંતુ દરેક યુવતી પૂર્ણિમા જેવી નસીબવાન હોતી નથી. તો આવી યુવતીઓ ઇચ્છા વિરૂધ્ધના ગર્ભથી કેવી રીતે બચી શકે એ વાતની માહિતી આ લેખમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ પ્રકારના સંજોગોમાં સૌ પ્રથમ તો ફર્ટાઇલ પિરિયડ અંગે જાણવું જરૂરી છે. સમાગમને સમયે તે રજોસ્વલા હોય અથવા તો હાલમાં જ તેનો ઋતુકાળ પૂરો થયો હોય અથવા તો તેનો ઋતુકાળ ખૂબ જ નજીક હોય તો ગર્ભ રહેવાની શકયતા નથી. પરંતુ ઋતુકાળના ૧૦-૧૨ દિવસ પછી કુટુંબ નિયોજનના સાધનો વિના સમાગમ થાય તો ગર્ભ રહેવાની શકયતા વધી જાય છે. જોકે આ જોખમ આઠ ટકા જ હોય છે. પરંતુ આઠ ટકામાં સમાવેશ ન થાય તે માટે ડોકટરો ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ (ઇસી) પધ્ધતિનો ઉપયોગ કરે છે. અસલામત સમાગમ પછીના એકાદ બે દિવસ સુધી આ પધ્ધતિનો ઉપયોગ થઇ શકે છે.

પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ અનિરૂધ્ધ માલપાણીએ જણાવ્યા અનુસાર કોઇ પણ ગર્ભનિરોધક પધ્ધતિ સુરક્ષિત નથી. તેમજ મોટાભાગના દંપતીઓ આ પદ્ધતિના વપરાશમાં થાપ ખાઇ જાય છે. અમુક ચોક્કસ કારણો દરમિયાન આ પદ્ધતિ અકસીર નીવડે છે. (૧) સમાગમ દરમિયાન કોન્ડોમ ફાટી જાય. (૨) ગર્ભનિરોધક સાધન વાપર્યું ન હોય. (૩) સ્ત્રી એક કે બે દિવસ ગર્ભ નિરોધક ગોળીઓ લેવાનું ભૂલી જાય અથવા તો ગોળીઓ એક-બે દિવસ મોડી લેવાનું શરૂ કરે. (૪) સ્ત્રી પર બળાત્કાર આચરવામાં આવ્યો હોય.

ઇસી પદ્ધતિને કારણે ઇચ્છા વિરુદ્ધની ગર્ભાવસ્થા ટાળી શકાય છે. આને કારણે ગર્ભપાતના કિસ્સાઓ પણ ઘટી શકે છે. આટલું જ નહીં પરંતુ ઇસી ખૂબ જ સોંઘી પદ્ધતિ છે. ઇચ્છા વિરુદ્ધની ગર્ભાવસ્થાનો ભય ટાળવાને કારણે ગર્ભપાત, બાળકના જન્મ સમયનો તબીબી ખર્ચો પણ બચી જાય છે.

ફાર્માસ્યુટીક્લ કંપનીઓ ટૂંક સમયમાં જ ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ માટેના ઉત્પાદનો બજારમાં મૂકવાની તૈયારીમાં છે.

પરંતુ આ પદ્ધતિ ભારતમાં નવી હોવાને કારણે ઘણા ડૉકટરો તેમ જ દર્દીઓ આ પદ્ધતિની સલામતી અંગે દ્વિધા અનુભવે છે.

આ પદ્ધતિમાં ગોળીઓનો ઉપયોગ સામાન્ય છે. અને આ ગોળીઓ બજારમાં સહેલાઇથી ઉપલબ્ધ છે. અસલામત સંભોગ પછીના ૭૨ કલાકની અંદર આ ગોળીઓ લેવાની શરૂઆત કરવી પડે છે. આની માત્રા સરળ છે. શક્ય હોય એટલી જલદી બે ગોળીઓ લઇ લેવી અને ત્યારબાદ ૧૨ કલાક પછી બીજી બે ગોળીઓ ગળી જવી. આ થેરપીની શોધ કેનેડાના ડોકટર યુઝ્પે કરી હતી તેથી એ યુઝ્પ રેજીમેન નામે ઓળખાય છે.

અસલામત સંભોગના પાંચ દિવસની અંદર કોપર – ટી બેસાડવામાં આવે તો પણ ગર્ભાધાનની શક્યતા ટળી જાય છે. પરંતુ આ માટે નિષ્ણાત ડૉકટરની પાસે જવાની જરૂર છે.

ઇસી પીલ્સની કાર્યપ્રણાલિ વિશે સ્પષ્ટ જાણકારી મળી શકી નથી. કેટલાક સંશોધન પ્રમાણે આ ગોળીઓ ડિમ્બોત્સર્જનમાં અવરોધ ઉત્પન્ન કરે છે અથવા તેને પાછળ ધકેલે છે. એમ પણ માનવામાં આવે છે કે આ ગોળી ગર્ભાશયના આવરણમાં પરિવર્તન લાવતી હોવાથી ત્યાં ભુ્રણ સ્થાન પામતું નથી આ ઉપરાંત આ ટીકડીઓ અંડકોષ તેમ જ સ્ત્રીબીજને ફળદ્રુપ થતાં રોકે છે. તેમ જ તેમની ગતિમાં પણ અવરોધ ઉત્પન્ન કરે છે. પરંતુ એક વાર ગર્ભ રહી ગયા પછી આ ગોળીઓ લેવાથી ફાયદો થતો નથી. ગર્ભપાત માટે આ ગોળીઓનો ઉપયોગ કરાતો નથી.

આ ટીકડીઓ દ્વારા ગર્ભ રહેવાની શક્યતા ૭૫ ટકા ઘટી જાય છે. આથી ગર્ભાધાન માટેના સૌથી અનૂકુળ સમય દરમિયાન એટલે કે માસિક ચક્રના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં અસલામત સંભોગ કરનાર ૧૦૦ સ્ત્રીઓમાંથી આઠ સ્ત્રી ગર્ભવતી બનવાની શક્યતા છે. પરંતુ ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવના વપરાશથી બે મહિલાઓ ગર્ભવતી બની શકે છે.

ઇસી પીલ્સનો સૌથી વધુ વપરાશ યુરોપમાં થાય છે. યુઝ્પ રેજીમેન વાપરવાને કારણે ત્યાં લાંબા ગાળાની ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી હોવાનું જાણવા મળ્યું નથી.

ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવમાં ઓરલ કોટ્રાસેપ્ટીવ પીલ્સના ડોઝનો થોડો વપરાશ થયો હોવાને કારણે ઉબકા અને ઊલટીઓ જેવી સમસ્યાઓ ઉત્પન થઇ શકે છે. પરંતુ ડૉક્ટર માલપાણીએ જણાવ્યા મુજબ જમ્યા પછી આ ગોળીઓ લેવામાં આવે તો આ આડઅસરો પણ દૂર થઇ શકે છે.

આ ગોળીઓ લેનાર મહિલાનું માસિક થોડું અનિયમિત થવાની શક્યતા છે, પરંતુ ટૂંક સમયમાં જ માસિક ચક્ર ફરી નિયમિત થઇ જાય છે. પરંતુ ચાર સપ્તાહ સુધી માસિક ન આવે તો પ્રેગનન્સી ટેસ્ટ કરાવવાની જરૂર છે. ઇસી પીલ્સની અસર ન થાય તે સંજોગોમાં બાળક ખોડખાંપણ વાળું જન્મે એમ માનવાનું કોઇ કારણ નથી. ઇસી પીલ્સનો વારંવાર વપરાશ કરવાથી આરોગ્યને કોઇ નુકસાન નથી પરંતુ ગર્ભ નિરોધક ગોળીઓ કરતા આ ગોળીની ક્ષમતા ઓછી હોવાને કારણે ગર્ભ નિરોધક ગોળીઓનો વપરાશ વધુ સલામત છે.