ભૂલભૂલૈયાના ત્રીજા ભાગની તૈયારી શરુ, કાર્તિક રિપીટ; તબ્બુએ કામ કરવાનો ઈનકાર કર્યો

મુંબઇ, ’ભૂલભૂલૈયા’ના બંને ભાગની સફળતા બાદ હવે ત્રીજા ભાગની તૈયારી શરુ થઈ ગઈ છે. બીજા ભાગના હિરો કાર્તિક ને ત્રીજા ભાગમાં રિપીટ કરાયો છે જ્યારે ભાગ એકના હિરો અક્ષય કુમારની બીજા પછી ત્રીજા ભાગમાંથી પણ હકાલપટ્ટી થઈ ગઈ છે.અક્ષય કુમારે ભાગ બેનો રોલ મેળવવા માટે પણ આકાશપાતાળ એક કર્યાં હતાં. જોકે, તેની કોઈ કારી ફાવી ન હતી. હવે બીજા ભાગમાં કાર્તિક આર્યનની સફળતા બાદ નિર્માતાઓ અક્ષય જેવા મોટા સ્ટાર પર રોકાણ કરવા ઈચ્છતા નથી.અક્ષય કુમાર હવે સફળતાની ગેરન્ટી પણ આપી શક્તો નથી. તેની સરખામણીએ કાર્તિક ઉપરાછાપરી હિટ ફિલ્મો બાદ સેલેબલ સ્ટાર ગણાય છે.

જોકે, ત્રીજા ભાગમાં કામ કરવાનો તબુએ ઈનકાર કરી દીધો છે. બીજા ભાગમાં તબુની એક્ટિંગનાં જ સૌથી વધારે વખાણ થયાં હતાં. નિર્માતાઓ પણ તેને રિપીટ કરવા ઉત્સુક હતા. પરંતુ, બહુ મોટી રકમની ઓફર છતાં પણ તબુએ એકનો એક રોલ ફરીથી ભજવવાની ના પાડી દેતાં હવે ફરી નવી મંજુલિકાની શોધ ચાલી રહી છે. બીજી તરફ કાર્તિક ની હિરોઈન તરીકે કિયારા જ રિપીટ થશે કે કેમ તે અંગે અટકળો છે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ નક્કી થઈ રહી છે. ત્યારબાદ જ કાર્તિક ની હિરોઈન તથા અન્ય નવા કલાકારો વિશે નિર્ણય લેવાશે.