અમદાવાદ, ગુજરાતમાં હાલ ભુક્કા બોલાવતી ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે કાળઝાળ ગરમી સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.અમદાવાદમાં ૪૩.૩ ડિગ્રી જ્યારે ભુજમાં ૪૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે, હીટવેવ અને વરસાદ બંનેની આગાહી આગામી સાત દિવસ માટે આપવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના અભિમન્યુ ચૌહાણે, ગુજરાતના હવામાન અંગે આજથી સાત દિવસનું અનુમાન જણાવ્યુ છે. ગુજરાતમાં પાંચ દિવસ હવામાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૪૩.૩ ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જયારે રાજ્યમાં સૌથી વધારે તાપમાન ભુજમાં ૪૩.૫ ડિગ્રી નોંધાયુ છે.
આ સાથે તેમણે આગામી ૨૪ કલાકમાં અમદાવાદમાં ૪૩ ડિગ્રી તાપમાન રહેશે. તે બાદ અમદાવાદનું તાપમાન ૪૨ ડિગ્રી રહેશે. જ્યારે ગાંધીનગરમાં ૪૨ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. હીટવેવની વાત કરતા કચ્છમાં તાપમાન વધતા હીટવેવ વોનગ આપવામાં આવી છે તેમ જણાવ્યુ છે. કચ્છમાં વધતા તાપમાનને કારણે યલો એલર્ટની શક્યતા દર્શાવવામાં આવી છે.
અભિમન્યુ ચૌહાણે વરસાદ અંગેની આગાહી આપતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન શુષ્ક રહેશે. જ્યારે ચોથાથી છઠ્ઠા દિવસમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી આપી છે. તેમણે જણાવ્યુ કે, ચોથા, પાંચમા અને છઠ્ઠા દિવસે વરસાદની દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શક્યતા છે. ચોથા દિવસે ડાંગ જિલ્લામાં વરસાદ થવાની આગાહી છે. જ્યારે ૧૨ અને ૧૩ તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જેમકે નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. દરિયાકાંઠાના હવામાન અંગેની આગાહીમાં તેમણે જણાવ્યુ છે કે, દરિયા કાંઠે પવન દક્ષિણ પશ્ર્ચિમી તથા પશ્ર્ચિમી દિશાથી ફૂંકાશે. પવનની ગતિ ૧૫થી ૨૦ નોડ્સની રહેશે. આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન હોટ એન્ડ હ્યુમિડ રહેશે. જેના કારણે ડિસકમ્ફર્ટની સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો વોનગ આપવામાં આવી છે.