ભૂકંપના આંચકાથી હચમચ્યું હિમાચલ, આભ ફાટ્યા બાદ વધુ એક આફત

હિમાચલ પ્રદેશમાં વધુ એક આફત આવી છે. આભ ફાટ્યાની ઘટના બાદ ભૂસ્ખલન થયું હતું. જેના બાદ હવે આજે વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. માહિતી અનુસાર લાહોલ સ્પીતિમાં ધરતીકંપ આવતા પહેલાથી જ તકલીફ સહન કરી રહેલા લોકો વધુ ડરી ગયા હતા. આ વખતે ભૂકંપની તીવ્રતા ૩.૨ મપાઈ હતી.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર આ ભૂકંપ ૫ કિલોમીટર ઊંડે મપાયું હતું.જોકે અહેવાલ લખવા સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છેકે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે ૭ લોકોના મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૫૦ લોકો ગુમ થયા છે.

વાદળ ફાટ્યા પછી, ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે બચાવ ટીમ માટે ઘટનાસ્થળે પહોંચવું એક મોટો પડકાર છે. ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોનો સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશમાં હવે ભૂકંપના આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.