કચ્છમાં એક પરિણીત મહિલાનો ભયાનક કાંડ સામે આવ્યો છે. આ પરણેલી મહિલાએ પોતાના પ્રેમી સાથે રહેવા માટે એક નિર્દોષ ભીખારીને મારીને નકલી આપઘાતનું નાટક કર્યું અને તેમાં તે ઝડપાઈ ગઈ અને તેણે જે ખુલાસા કર્યાં તે ખરેખર કંપાવનારા છે.
કચ્છના ચકચારી ભીખારી અપહરણ, હત્યા અને લાશ સળગાવી દેવાનો એક ભયંકર કાવતરાનો પર્દાફાશ થયો છે. 27 વર્ષીય રામી કેસરિયા અને તેના પ્રેમી અનિલ ગંગાલે સાથે સાથે રહેવા માટે એક નિર્દોષ ભીખારીનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હતી અને પછી લાશ સળગાવી દીધી હતી. બન્નેએ 5 જુલાઈએ ખારી ગામમાં તેના સાસરિયાના ઘર પાસે એક અજાણ્યા વ્યકિતની હત્યા અને તેના શરીરને ચિતા પર સળગાવી દીધાની કબૂલાત કરી હતી. રામીએ પોતાનો મોબાઈલ ફોન અને પગરખાં પણ સળગતી ચિતા સામે છોડ્યાં હતા જેથી કરીને તેના માતાપિતા અને સાસરીયાવાળાને એમ લાગે કે તેણીએ આત્મહત્યા કરી છે. ઘરનાએ પણ આપઘાત કર્યાનું માનીને રામીના અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યાં હતા.
કાવતરા પાછળના હેતુને સમજાવતા પોલીસે જણાવ્યું હતું કે રામી તેના બીજા લગ્નથી ખુશ નહોતી અને તે અનિલ સાથે પ્રેમમાં પડી હતી અને તેની સાથે રહેવું હતું પરંતુ ઘરના આડા આવતાં હતા આથી તેણે અનિલ સાથે મળીને પોતાના આપઘાતનું નાટક કર્યું હતું. ખાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ચાવડાએ જણાવ્યું હતું કે, “અનિલે કોઈ લાશ અથવા તો ભિખારીને શોધવાનું શરુ કર્યું અને ભુજના હમીરસર તળાવ પાસે ફૂટપાથ પર એક ભિખારીને સુતેલો જોયો જે પછી બન્નેએ કારમાં તેનું અપહરણ કરીને લઈ ગયા અને કારમાં ગળું દબાવીને હત્યા કરી નાખી અને લાશ કોથળામાં ભરીને ઢોરની ગમાણમાં રાખી ત્યાર બાદ બીજા દિવસે અનિલ અને રામીએ સ્મશાનમાં જઈને ડીઝલથી સળગાવી મૂકી અને આ વખતે રામીએ પોતાના પિતાને વીડિયો કોલ કરીને જાણ કરી કે તે આપઘાત કરી રહી છે અને બધાએ સાચું પણ માની લીધું.
પરિવારે રામીના ફૂટવેર અને મોબાઈલ ફોન પણ જોયા અને તેણે આત્મહત્યા કરી હોવાનું માની લીધું હતું. પોલીસ અધિક્ષક (કચ્છ પશ્ચિમ) વિકાસ સુંદાએ કહ્યું કે રામીને પોતાના આ ગુનાહિત કામનો પસ્તાવો થતો હતો અને તે પ્રાયશ્ચિત કરવા માગતી હતી તેથી તે પિયરમા આવી અને પિતાને સાચી વાતની જાણ કરી દીધી, ત્યાર બાદ પોલીસે બન્નેની ધરપકડ કરીને આખી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.
રામી જીવતી છે તેવો કોઈને વહેમ ન પડે એટલે અનિલ તેની શોકસભામાં પણ ગયો હતો. આ ભયાનક ઘટના બાદ અનિલ અને રામી ભુજમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. આ દરમિયાન અનિલ પોતાની પત્નીને પણ નિયમીત મળતો રહેતો હતો જેથી કરીને પત્નીને શક ન પડે.