ભુજ નજીક ટ્રકે ઠોકરે લેતા ટુ વ્હિલમાંથી પટકાતા દાદી-પૌત્રનાં મોત

ભુજના માનકૂવાના એક્તાબેન ગોરસિયા આજે તેના સવા વર્ષના પુત્ર તન્મય અને સાસુ મંજુલાબેન સાથે એક્ટિવા પર ભુજ તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે સુખપર પાસે આવતા સ્પીડબ્રેકર પાસે કોઈ કારણોસર એક્તાબેને એક્ટિવાનું બેલેન્સ ગુમાવતાં ત્રણેય રસ્તા પર પટકાયાં હતાં. આ જ સમયે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકનાં વ્હીલ સવા વર્ષના તન્મય અને ૫૫ વર્ષીય મંજુલાબેન ગોરસિયા પર ફરી વળ્યાં હતાં, જેમાં મંજુલાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તન્મયને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

સ્પીડબ્રેકર પાસે એક્ટિવા સ્લિપ થતાં પરિણીતા, તેનો પુત્ર અને સાસુ ત્રણેય પટકાયાં હતાં. એમાં સાસુ અને પુત્ર પર ટ્રકનાં વ્હીલ ફરી વળ્યાં હતાં. જ્યારે પરિણીતા વ્હીલથી દૂર રહી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતના પગલે રસ્તા પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.હતભાગી વિશે સ્થાનિકે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખેતી વ્યવસાય ધરાવતા દિનકરભાઈ ગોરસિયાના લગ્ન ચારથી પાંચ વર્ષ પૂર્વે થયા હતા. અનેક માનતાઓ બાદ ૧૩ માસ પૂર્વે પુત્રનો જન્મ થયો હતો. તેના થોડા દિવસ પહેલાં જ ધામધૂમથી અને દાન ધર્મથી જન્મ દિવસ ઊજવવામાં આવ્યો હતો. એ જ પુત્રનું આજે દાદી સાથે સુખપર નજીક એક્ટિવા પરથી પડી જતાં ટ્રક તળે આવી જવાથી મૃત્યુ થયું છે. વધુમાં આ પરિવારની કમનસીબી એ છે કે આજથી ૮-૯ વર્ષ પહેલાં દિનકરભાઈના મોટા ભાઈનું હર્ષદભાઈનું પણ સુખપર પાસેજ હોટલ વૃદાવન નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જ્યારે ત્રણ ભાઈમાં સૌથી નાના ભાઈ ઓસ્ટ્રેલિયા ખાતે વસવાટ ધરાવે છે. આજના બનાવથી લેઉવા પટેલ સમાજ સાથે સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી છે.