ભુજના ખાવડા હત્યા કેસમાં મોટા પૈયા ગામના પાંચ સગા ભાઇઓને આજીવન કેદ

ભુજ,ભુજ તાલુકાના ખાવડા ગામે ગત ૧ મે ૨૦૧૯ના સાંજે જમીનના ઝઘડામાં યુવાનને છરીના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી બનાવમાં ભુજની સેસન્સ કોર્ટે મોટા પૈયા ગામના સગા પાંચ આરોપી ભાઇઓને આજીવન કેદની સખત સજા ફટકારતો હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હત્યાનો બનાવ ગત ૧ મે ૨૦૧૯ના રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી ઇસ્માઇલ મામદ સમા રહે મોટા પૈયા અને આરોપી સિાધીક હુશેન સમા, ઇસ્માઇલ હુશેન સમા, ઓસમાણ હુશેન સમા, હનીફ હુશેન સમા, મોડ હુશેન સમા વચ્ચે જમીન મુદે વિવાદ ચાલતો હતો. જેમાં કોર્ટમાંથી ફરિયાદી તરફે ચુકાદો આવ્યો હતો. જે બાબતે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. દરમિયાન ઘટનાના દિવસે ખાવડા ગામે જુના બસ સ્ટેશન પાસે આરોપીઓએ ફરીયાદી અને તેના પુત્ર મુસા ઇસ્માઇલ સમા સાથે ઝઘડો કર્યો હતો. જેમાં પાંચે આરોપીઓએ ફરિયાદીના દિકરાને પકડીને ઉપરાછપરી છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાબતે મરણ જનાર મુસાના પિતા ઇસ્માઇલ મામદ સમાએ ખાવડા પોલીસ માથકે પાંચે આરોપીઓના નામ જોગ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપીઓની ધરપકડ કરીને પાલરા જેલમાં ધકેલી દીધા હતા. આ ગુનામાં પાંચ પૈકી બે આરોપીના જામીન હાઇકોર્ટ દ્વારા પણ નકારાયા હતા. ત્યાર બાદ આ કેસ ભુજના છઠ્ઠા અધિક સેસન્સ જજ વી.વી.શાહની કોર્ટમાં ચાલી જતાં જેમાં ૧૯ જેટલા સાક્ષીઓ અને ૨૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ ચકાસ્યા બાદ બન્ને પક્ષની દલીલો આરોપી સગાભાઇઓ સિાધીક હુશેન સમા, ઇસ્માઇલ હુશેન સમા, ઓસમાણ હુશેન સમા, હનીફ હુશેન સમા, મોડ હુશેન સમાને આજીવન કેદની સખત સજા ફરમાવતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર વતી સરકારી વકીલ પી.વી.વાણિયા, તાથા મુળ ફરિયાદીના વકીલ તરીકે દેવાયત એન.બારોટ, ખીમરાજ એન.ગઢવીએ હાજર રહીને દલીલો કરી હતી.