ભુજમાં રહેણાંક મકાનમાં ચાલતા હથિયાર બનાવવાનું મીની કારખાનું ઝડપાયું

ભુજ, ભુજના ભીડનાકા-દાદુપીર રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા હથિયાર બનાવવાના મીની કારખાનાને એસ.ઓ.જીએ ઝડપી પાડયુ છે. બાતમી આધારે એસ.ઓ.જીએ અનશ ઉમર લુહારના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસ દરોડા પાડી ૪૧ વયનો આરોપી અનશ ઉમર લુહારની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. દરોડો દરમ્યાન તપાસ ટીમને દેશી હથિયાર બનાવવાના થોકબંધ સાધનો મળી આવ્યા હતા. જે કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દેશી બંદુક બનાવવા માટેના અનેક સાધનો એસ.ઓ.જી એ કબ્જે કર્યા છે. જેમા નાની મોટી બંદુકમાં ઉપયોગ થતા બટ્ટ,હથિયાર બનાવવાના સાધનો, ૧૨ બોર, ગનના જીવતા કારતુસ ,એરગનના સીસાનો સોર્ટ, સીસાના ગોળ છરા તથા હથીયાર બનાવવા માટે ઉપયોગમાં આવતા અલગ-અલગ પાર્ટ મળી આવ્યા છે. ખાલી કારતુસ આર્મી ડિઝાઇન વાડા બેગમાં રાખેલ કારતુસ તથા ડબલ બેરલ ૧૨ બોરનો લોંખડનો પાઇપ તથા કુલ હથિયાર બનાવવા ઉપયોગમાં લેવાતી ૩૧ વસ્તુઓ કબ્જે કરી છે કુલ રૂ. ૬,૬૬૦ નો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જે રીતે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે જોતા અનેક હથિયારો બનાવવા માટેના સાધનો મળી આવ્યા છે. જેથી પોલીસે આરોપી અનશ ઉમર લુહારની વધુ પુછપરછ હાથ ધરી છે. તેની તપાસમાં હથિયાર ખરીદનાર લોકોના નામ ખુલે તેવી પણ શક્યતા છે. જે બાબતે ભુજના અનેક વિસ્તારોમાં સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે તપાસ પણ શરૂ કરી દીધી છે. તેથી પુછપરછ ભુજમાંથી ઝડપાયેલ હથિયારના સોદ્દાગરના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ કરાશે.