બીએચયુમાં બંદૂકની અણીએ વિદ્યાર્થિનીની છેડતી, વિરોધમાં સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

ઉત્તર પ્રદેશના વારાણસીમાં આઇઆઇટી બીએચયૂમાં એક મિત્ર સાથે ફરી રહેલી વિદ્યાર્થિની સાથે છેડતી થયા બાદ સેંકડો વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા છે. આ ઘટનાના વિરોધમાં વિદ્યાર્થીઓ બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન શરૃ કર્યું હતું. વિદ્યાર્થીઓ કેમ્પસની અંદર વિદ્યાર્થિનીઓની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હંગામો વધી શકે છે.

કેમ્પસની અંદર વિદ્યાર્થિનીઓ સાથે સતત છેડતીના કિસ્સા બની રહ્યા છે. બુધવારે રાત્રે એક વિદ્યાર્થિની સાથે છેડતી થઇ હતી. આ પછી કેમ્પસનું વાતાવરણ ઉગ્ર થવા લાગ્યું હતું. જાણકારી અનુસાર આઈઆઈટી બીએચયુ કેમ્પસમાં એક મિત્ર સાથે ફરતી વખતે વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીના કપડાં ઉતાર્યા, કિસ કરી અને તેનો વીડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થિની કેમ્પસની હોસ્ટેલમાં રહે છે. જમ્યા પછી તે વોક કરવા ગઈ હતી. આ દરમિયાન ત્રણ યુવકો બુલેટ પર પર આવ્યા હતા અને બંદૂકની અણીએ તેનું શોષણ કર્યું હતું. તેના મિત્રને માર પણ માર્યો હતો.

જ્યારે આ ઘટનાના સમાચાર વિદ્યાર્થીઓને મળ્યા તો તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ પછી સેંકડો વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરૃ કર્યું હતું. કેમ્પસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાની માંગ સાથે તેઓ ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ કરી રહ્યા છે.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ડિરેક્ટર સામે હાય-હાયના નારા લગાવી રહ્યા છે. તેઓ કેમ્પસ બંધ કરવાની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેમ્પસની અંદર ગુનાહિત પ્રકારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવો જોઈએ. કેમ્પસનો માહોલ જોતાં બબાલ વધી શકે તેવી સંભાવના છે.

બીએચયુના એક વિદ્યાર્થી સચિને જણાવ્યું કે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. બહારના લોકો આઈઆઈટી કેમ્પસમાં પ્રવેશ કરે છે અને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પરેશાન કરે છે. તેઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પણ હેરાન કરે છે. વિદ્યાર્થીઓની માંગ છે કે આઈઆઈટી કેમ્પસની અંદર સુરક્ષા વધારવામાં આવે. બહારના લોકોને કોઈ કારણ વિના કેમ્પસની અંદર પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ નહીં. બહારના લોકો કેમ્પસની અંદર આવે છે અને ડ્રગ્સમાં વ્યસ્ત રહે છે અને છોકરીઓની છેડતી કરે છે.

અત્યાર સુધી જે રિપોર્ટ સામે આવ્યા છે તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થિની સાથે છેડતી કરનાર આરોપી બીએચયૂ કેમ્પસના વિદ્યાર્થીઓ છે. જો કે હજુ સુધી તેની પુષ્ટી થઇ નથી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે કેમ્પસમાં ત્રણ-ચાર પોલીસ સ્ટેશનની પોલીસ હાજર છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે આઇ-એક્ટની કલમ ૩૦૪ ખ, ૫૦૪ અને ૬૬ ઇ હેઠળ ગુનો નોંધ્યો છે.

રિપોર્ટ અનુસાર વિરોધ છતાં ડાયરેક્ટર પ્રમોદ કુમરા જૈન હજુ સુધી વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પોલીસ તેમને ધમકાવી રહી છે. જોકે વિદ્યાર્થીઓ હાર માનવાના નથી અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.