ભરૂચના પરિવારે સુરતની નહેરમાં પડતું મૂકી સામુહિક આપઘાત કર્યો

સુરતમાં મૈયતમાં આવેલા ભરૂચના પરિવારના ત્રણ સભ્યોની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે. મૃતકોમાં એક નાના બાળકનો સમાવેશ થાય છે. પરિવારે ક્યાં કારણોસર સામુહિક આપઘાત કર્યો તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

ભરૂચ જિલ્લામાં વસવાટ કરતો મુસ્લિમ પરિવાર સુરત શહેરના કોસાડ આવાસ વિસ્તારમાં તેમના કાકાજીની મૈયતમાં હાજરી આપવા માટે ગયો હતો. જો કે ત્યાંથી હાજરી આપી પરત ફરનાર પતિ-પત્નીએ તેમના અઢી વર્ષના પુત્રની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવી છે. પ્રાથમિક અનુમાન અનુસાર પરિવારે નહેરના પાણીમાં પડતું મૂકી સામુહિક આપઘાત કરી લઈ જીવન ટૂંકાવ્યું હશે.

બનાવની જાણ થતા ની સાથે જ ફાયર વિભાગ દ્વારા વરિયાવ બાયપાસ રોડ પરથી કેનાલમાંથી મહિલા અને બાળકની લાશને બહાર કાઢવામાં આવી હતી જ્યારે ઓલપાડ તાલુકામાં કેનાલમાંથી પતિની લાશ મળી આવી હતી. જહાંગીરપુરા પોલીસે બંને લાશનો કબજો લઈ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ બાયપાસ રોડ પર રહેતો મુસ્લિમ મગસ પરિવાર અમરોલીના કોસાડ આવાસમાં તેમના કાકાજીની મૈયતમાં હાજરી આપવા માટે આવ્યા હતા મૈયતમાં હાજરી આપ્યા બાદ મુસ્લિમ પરિવાર ભરૂચ પરત જવા માટે નીકળ્યો હતો. જોકે અનુમાન અનુસાર આ પરિવારે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ વરિયાવ બાયપાસ રોડ પર રેલવે ફાટકની બાજુમાંથી પસાર થતી કેનાલમાં આત્મહત્યા કરી લીધી હતી.

વરિયાવ બાયપાસ રોડ પાસે કેનાલમાં મહિલા અને માસુમ બાળકની લાશ દેખાતા પોલીસે ફાયર બ્રિગેડ વિભાગની મદદ લઈ બંનેની લાશને બહાર કાઢી હતી. બીજી બાજુ ઓલપાડના સોંસક ગામમાંથી પુરુષની લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા મહિલા નું નામ કુરશીદા મોહસીન મગસ તથા અઢી વર્ષના તેના પુત્ર નું નામ મોઈસ હોવાનું સામે આવ્યું છે. ઓલપાડના સોંસક ગામમાંમળેલા પુરુષની લાશ કુરશીદાના પતિ મોહસીનની હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો જહાંગીરપુરા પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પત્રી અને બાળક સાથે સામુહિક આપઘાત કરનાર મોહસીન ભરૂચમાં ખાનગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ઉલ્લેખનીય છે કે પરિવારના સામૂહિક આપઘાત કેસમાં જહાંગીરપુરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. હાલ તો પોલીસે ભરૂચમાં વસવાટ કરતા તેના પરિવારને સુરત બોલાવી તેઓનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.