ભોરવા ગામે 500 રૂપિયાની લેતી-દેતીમાં સગાભાઈનુ મોતને ધાટ ઉતારનાર ભાઈને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

લીમખેડા, ભોરવા ગામના સગા ભાઈએ માત્ર રૂ.500ની તકરાર માટે તેના ભાઈને કુહાડી મારી મોતને ધાટ ઉતાર્યો હતો. લીમખેડા એડિ.સેશન્સ કોર્ટે હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

ગત 17 જુલાઈ 2021ના રોજ ભોરવા ગામના જુવાનસિંહ ઉર્ફે જનીયાભાઈ રત્નાભાઈ બારીયા તથા કાળુભાઈ રત્નાભાઈ બારીયા વચ્ચે ઉછીના લીધેલા 500 રૂપિયા બાબતે તકરાર થઈ હોવાથી ઉશ્કેરાઈ ગયેલા જુવાનસિંહ બારીયાએ તેના સગાભાઈ કાળુભાઈ બારીયાને કુહાડીના ઉપરા છાપરી બે થી ત્રણ ફટકા મારી માથામાં તથા કપાળમાં ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ધાટ ઉતાર્યો હતો. બનાવ સંદર્ભે ધાનપુર પોલીસે સમગ્ર કેસ સાંયોગિક પુરાવા સાથે લીમખેડા સેશન્સ કોર્ટમાં તબદીલ કર્યો હતો. જે કેસ એમ.એ.મીર્ઝા ત્રીજા એડિ.સેશન્સ જજ લીમખેડાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શૈલેષભાઈ તડવીની ધારદાર દલીલોને ઘ્યાને રાખી લીમખેડા કોર્ટે આરોપી જુવાનસિંહ ઉર્ફે જનીયાભાઈ બારીયાને ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ અને જો દંડ નહિ ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી હતી.