ગુજરાત ATS અને NCB દિલ્હી દ્વારા સંયુક્ત રીતે મધ્યપ્રદેશના ભોપાલના બગરોડા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે મેન્યુફેક્ચરિંગ યુનિટની આડમાં ચાલતી ફેક્ટરીમાં રેડ કરી હતી. જેમાંથી 1814 કરોડની કિંમતનું 907 કિલો એમડી ડ્રગ્સનું મટિરિયલ તથા સાધનો કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા છ મહિનાથી મોર્ડન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો અને તેમાં રોજ 25 કિલો ડ્રગ્સનું પ્રોડક્શન કરતા હતા. ઉલ્લેખીનય છે કે, ગુજરાત ATS દ્વારા અત્યારસુધી પકડવામાં આવેલા ગેરકાયદે ફેક્ટરીઓ પૈકી આ અત્યારસુધીના સૌથી મોટી ફેક્ટરી છે.
ATSની દોઢ મહિનાથી હતી નજર ગુજરાત ATS બાતમીના આધારે એકથી દોઢ મહિનાથી જગ્યા પર વોચ રાખવામાં આવી રહી હતી. જ્યારે બાતમી ચોક્કસ થઈ ત્યારે ATSએ દિલ્હી NCBનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સંયુક્ત રીતે ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. આ રેડ દરમિયાન ભાડાના શેડમાંથી 907 કિલો એમડી ડ્રગ્સનો સોલિડ તથા લિક્વિડ જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત 5000 કિલો રો-મટિરિયલ અને એમડી ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લીધેલા ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ, હીટર સહિતના સાધનો પણ મળી આવ્યા હતા.
7 મહિના પહેલા શેડ ભાડે લીધો હતો આ રેડ દરમિયાન અમિત ચતુર્વેદી (57 વર્ષ) જે ભોપાલનો રહેવાસી છે તથા સન્યાલ પ્રકાશ બાને (ઉં.વ. 40) જે નાસિક મહારાષ્ટ્રનો રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી સન્યાલ પ્રકાશ બાને અગાઉ વર્ષ 2017માં અંબોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિલો એમડી ડ્રગ્સના સીઝર કેસમાં પકડાયો હતો. જેમાં તે પાંચ વર્ષ જેલમાં પણ રહીને આવ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ તેણે અમિત ચતુર્વેદીના એક મિત્ર દ્વારા સંપર્ક કરીને એમડી ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણ માટેનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન મુજબ તેઓએ બગરોડાની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સાત મહિના અગાઉ જ એક શેડ ભાડે લીધો હતો અને જેમાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટેનું રો-મટિરિયલ અને સાધન સામગ્રી એકઠી કરી હતી. જેમાં કેમિકલ પ્રોસેસ અને વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
રોજ 25 કિલો એમડી ડ્રગ્સનું પ્રોડક્શન થઈ શકે તેવી કેપેસિટી છે આરોપીઓએ 2500 વારની જગ્યામાં શેડ ઉભો કર્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા અત્યારસુધી પકડવામાં આવેલા ગેરકાયદેસર ફેક્ટરીઓ પૈકી અત્યારસુધીના સૌથી મોટી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત અત્યારસુધીની સૌથી મોર્ડન ફેક્ટરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ફેક્ટરીમાં રોજ 25 કિલો એમડી ડ્રગ્સનું પ્રોડક્શન થઈ શકે તેવી કેપેસિટી છે. આરોપીઓએ અત્યારસુધી એક સ્લોટ તૈયાર કરીને વેચ્યો હોવાની શંકા છે અને આ સ્લોટ પણ મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં વેચ્યો હોવાની શક્યતા છે. જેને લઈને એટીએસ દ્વારા તેમને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ કેટલા સમયથી જથ્થો બનાવતા હતા તથા કઈ કઈ જગ્યાએ તથા કોને વેચતા હતા તે માટેની તપાસ પર શરૂ કરવામાં આવી છે.
એજન્સી ડ્રગ્સની હેરાફેરી સામે કડક હાથે કામ કરી રહી છે હર્ષ સંઘવીએ X પર લખ્યું છે કે, આ કાર્યવાહી બતાવે છે કે, એજન્સી ડ્રગ્સની હેરાફેરી સામે કડક હાથે કામ કરી રહી છે. આ સામૂહિક પ્રયાસો સમાજ અને આરોગ્યની સુરક્ષા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આપણી એજન્સીની આ પ્રશંસનીય કામગીરી છે અને દેશને સલામત અને આરોગ્યપ્રદ રાખવાના તેના મિશનને સાથ આપવાનું ચાલુ રાખીએ.
2 શખસની ધરપકડ પ્રાથમિક અહેવાલ અનુસાર, આ MD ડ્રગ્સનાં જથ્થાની અંદાજિત કિંમત રૂ. 1814 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ ઓપરેશનમાં ATS અને NCBની ટીમે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. સાથે જ ફેક્ટરીમાંથી MD ડ્રગ્સ બનાવવા માટેની તમામ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઇ છે.
બે મહિના પહેલાં ગુજરાત ATS દ્વારા સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, જેમાં ઝડપાયેલા ત્રણ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સ કાર્ટેલમાં મુંબઈમાં ચિંચબંદર વિસ્તારમાં રહેતા મોહંમદ યુનુસ તથા મોહંમદ આદિલ પણ સંડોવાયેલા છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના એક ફ્લેટમાં મેફેડ્રોન (MD) બનાવી વેચાણ કરે છે, જેના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા ફ્લેટમાં દરોડા પાડી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ફ્લેટમાં મેફેડ્રોન (MD) બનાવવા માટેની પ્રોસેસ ચાલુમાં હતી. 11 કિલો સેમી-લિક્વિડ મેફેડ્રોન (MD) તથા બેરલોમાં ભરેલા 782 કિ.ગ્રા.લિક્વિડ મેફેડ્રોન (MD) મળ્યું હતું.