ભોજપુરી એકટ્રેસ આકાંક્ષા દૂબેએ કરી આત્મહત્યા, વારાણસીની હોટલમાં ફાંસી લગાવી

વારાણસી,ભોજપુરી એકટ્રેસ આકાંક્ષા દૂબેએ બનારસની એક હોટલમાં આત્મહત્યા કરી દીધી છે. મળતી માહિતી મુજબ સારનાથ થાના ક્ષેત્રના સોમેંદ્ર હોટલમાં મોડલ અને એકટ્રેસ આકાંક્ષા દૂબેએ ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો છે. આકાંક્ષા ભહોદી જનપદના થાના ક્ષેત્રના પરસીપુરની નિવાસી હતી. તે ભોજપૂરી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતી.

આકાંક્ષાએ ‘વીરોં કે વીર’ અને ‘ક્સમ બદના વાલે કી ૨’ નામની ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીએ આ પગલું કેમ ભર્યું તે કારણ હજુ સુધી અકબંધ છે. આ સમાચાર આવ્યા બાદ ભોજપુરી ઈન્ડસ્ટ્રી ઉંડા શોકમાં ગરકાવ થઈ ગઈ છે.

આકાંક્ષા દુબે ત્રણ વર્ષની ઉંમરે તેના માતા-પિતા સાથે મુંબઈ શિટ થઈ ગઈ હતી. તેના માતા-પિતા તેને આઇપીએસ ઓફિસર બનાવવા માંગતા હતા, પરંતુ તેને ડાન્સ અને એક્ટિંગ કરવાનું પસંદ હતું. નાનપણથી જ તેને ટીવી જોવાનો શોખ હતો. આ પેશનને ફોલો કરતા તે ફિલ્મી દુનિયામાં આવી. મુંબઈમાં અભ્યાસ કર્યા બાદ આકાંક્ષાએ ફિલ્મોમાં કરિયરની શરૂઆત કરી હતી. તેણે કહ્યું હતું કે તેની મિત્ર પુષ્પાંજલિ પાંડેએ આમાં તેની મદદ કરી હતી.

રિપોર્ટ્સ અનુસાર, ૧૭ વર્ષની ઉંમરે આકાંક્ષા દુબેએ ભોજપુરી સિનેમામાં પગ મૂક્યો હતો. અહીં તેણે ડિરેકટર આશિ તિવારી સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે તેને ઘણી વખત રિજેકશનનો સામનો પણ કરવો પડ્યો હતો. કહેવાય છે કે વર્ષ ૨૦૧૮માં આકાંક્ષા ડિપ્રેશનમાં જતી રહી હતી. આ પછી તેણે ફિલ્મી પડદાથી દૂરી બનાવી લીધી. તેણે કહ્યું હતું કે નવા કલાકાર સાથે નવા કલાકારની જેમ વ્યવહાર કરવામાં આવતો નથી. જેના કારણે લોકોમાં આત્મવિશ્ર્વાસ તૂટે છે.