મુંબઈ,નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલ યુનિટે આંતરરાજ્ય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. થાણેના ભિવંડીમાં રૂ.૪.૫ કરોડની કિંમતના મેફેડ્રોન જપ્ત કરી આરોપી ત્રિપુટીને પકડવામાં આવી છે.આ રેકેટના કિંગપિત અને અન્ય બે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્ય આરોપીના ઘરમાં રૂ.૩૮ લાખની રોકડ અને રૂ.૭.૮ લાખની કિંમતનું ૧૪૭ ગ્રામ સોનું મળી આવ્યું હતું.
એનસીબીને માહિતી મળી હતી કે ’આ ગેંગ થાણે વિસ્તારમાં સક્રિય છે. અન્ય રાજ્યોમાંથી મેફેડ્રોન (એમડી, મ્યાઉં મ્યાઉં) ડ્રગ મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હોવાની ખબર પડી હતી.
આ માહિતી બાદ પોલીસે આરોપી પર નજર રાખી હતી. એનસીબીના અધિકારીઓએ ભિવંડીમાં ગઈકાલે છટકું ગોઠવીને ડ્રગ સાથે પીએસવીર અને રોહન કેને રંગે હાથ ઝડપી લીધા હતા.એનસીબીએ તેમના કબજામાંથી બે કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન તેમણે આઈજીએન અંસારી નામના સપ્લાયરનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ભિવંડીના ઘરેથી અંસારીની ધરપકડ કરી હતી. તેના ઘરમાં રૃ.૩૬ લાખ અને સોનું મળી આવ્યું હતું.
આ રોકડ અને દાગીના ડ્રગ્સના વેચાણમાંથી મેળવ્યા હોવાનું અંસારીએ એનસીબીને જણાવ્યું હતું. અંસારી પાંચ- છ વર્ષથી ડ્રગ્સનો ધંધો કરતો હોવાનું એનસીબીને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. તેણે શરૃઆતમાં નાના પેડલર તરીકે ગલીઓમાં ડ્રગ વેચતો હતો. બાદમાં તે મુખ્ય સપ્લાયર બની ગયો હતો.