ભીંતચિત્રોનો વિવાદ : કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરવામાં આવશે.

વડોદરા, ગુજરાતમાં વર્તમાન સમયમાં સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં ૫૪ ફૂટ મૂર્તિ નીચે હનુમાનજીના ભીંતચિત્રોને કારણે વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રો હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે. જો આ ભીંતચિત્રો નહીં હટે તો અનેક વિરોધ કાર્યક્રમો યોજાય તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વચ્ચે હવે ધર્મ ગુરુ જ્યોતિર્નાથ મહારાજે આંદોલનનું એલાન કર્યું છે.

ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું છે કે, વડોદરાથી આંદોલન શરૂ થશે, આવતીકાલે કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરવામાં આવશે. જે બાદ તમામ કલેક્ટરો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવામાં આવશે. તેઓએ કહ્યું છે કે, તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સંતો અને ભક્તો સાળંગપુર કૂચ કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદાસ્પદ ૧૭૫ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. આ મામલે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવશે.

આ મામલે વિશ્ર્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, અભણ માણસોને ભેગા રાખવા તો સહેલા છે, જ્ઞાની માણસોને સાથે રાખવા ખૂબ અઘરા છે. અશોક રાવલે કહ્યું કે, સાળંગપુર વિવાદ પર મારે એટલું જ કહેવું છે કે ભગવાન શ્રીરામ ત્રેતા યુગમાં થયા અને હનુમાનજી પણ ત્રેતા યુગમાં હતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાનનો ૨૫૦-૩૦૦ વર્ષનો આ સમયગાળો છે. કેટલો મોટો ડિફરન્સ છે, એટલે હનુમાનજી એ ઘડીએ અને અત્યારે ન હોઈ શકે. તેઓએ કહ્યું કે, મેં હમણા જ આ મામલે સંતો સાથે થોડી ચર્ચા કરી છે અને આજે હું સંતોને મળવા પણ જવાનો છું. મેં જ્યારે સંતોને આ વિશે પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અમારો એવો કોઈ ભાવ નથી, કદાચ કોઈના મનમાં દુ:ખ થયું હોય તો અમે દિલગીરી વ્યક્ત કરીશું.

અશોક રાવલે કહ્યું કે, તેમનો સમજાવવાનો એક ઉદ્દેશ્ય હતો ઉદાહરણ હું તમને આપો તો કોઈ વડાપ્રધાન છે કે કોઈ મોટા નેતા છે તેમને આપણે પ્રણામ કરીએ છીએ ત્યારે તેઓ પણ સામેથી આપણને પ્રણામ કરતા હોય છે. એટલે આનો મતલબ એવો નથી કે તેઓ એકબીજાના દાસ છે. એકબીજાનો ભાવ હોય છે. આ ભાવ તેની પાછળનો ઉદ્દેશ્ય હતો. તેઓએ કહ્યું કે, મેં સ્વામીનારાયણ સંતોને વિનંતી પણ કરી છે. તેથી મને લાગે છે કે તેઓ આ મામલો ચોક્કસ કંઈક પગલા ભરશે. સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ અમદાવાદના મહંતે પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. લંબે નારાયણ આશ્રમના મહંત ૠષિભારતી બાપુએ કહ્યું છે કે, કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, આ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ બ્રેઈન વોશ કરવાનું બંધ કરો. સાળંગપુર હનુમાનજી મંદિર ભીંતચિત્રોને લઇ જગન્નાથ મંદિરના મહંતનું પણ નિવેદન સામે આવ્યું છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ. હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે. હનુમાનજી અનાદિકાળથી છે. દિલીપદાસજી મહારાજે સાળંગપુરની ઘટનાને વ્યભિચારી સમાન ગણાવી.