ભીષણ ગરમી વચ્ચે દેશમાં વીજ સંકટનો ઓછાયો, કેટલાંક રાજ્યોમાં વીજળી ડૂલ થવાની સંભાવના

નવીદિલ્હી, દેશનાં અનેક રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ હાહાકાર મચાવી રહ્યો છે. અંગ દઝાડતી ગરમીને કારણે લાખો લોકો બપોરનાં સમયે ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. બપોરે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. મોટાભાગનાં રાજ્યોમાં વીજળીનો વપરાશ વધી રહ્યો છે. ઈલેકટ્રીસિટીનો વપરાશ વધવાથી ટ્રિપિંગની સમસ્યા સર્જાઈ રહી છે. ગરમીનાં આ પ્રકોપ વચ્ચે દેશનાં કેટલાક રાજ્યોમાં વીજળી સંકટ ઘેરું બની રહ્યું હોવાનાં અહેવાલો આવી રહ્યા છે. આ વર્ષે જૂન મહિનામાં કાતિલ ગરમી પડવાની આગાહી કરાઈ છે. જેને કારણે લોકોને વધુ મુશ્કેલી અનુભવવી પડશે તેવું મનાઈ રહ્યું છે. જૂન મહિનામાં કેટલાક રાજ્યોમાં વીજળીનો પુરવઠો ઠપ થઈ જવાની શક્યતા છે.

સરકાર દ્વારા અને વીજળી બોર્ડ દ્વારા વીજળીનાં ઉત્પાદનમાં વધારો કરવા ભાર મુકાયો છે. જૂન સહિત આવનારા મહિનામાં વીજળીની માંગને પૂરેપૂરી રીતે સંતોષવા પગલાં લેવાયા છે. ગ્રિડ ઈન્ડિયાએ જૂનમાં રાતનાં સમયે વધુમાં વધુ ૨૩૫ ગીગાવૉટની માંગનો અંદાજ લગાવ્યો છે. જેમાં ૧૮૭ ગીગાવૉટ થર્મલ વીજળી દ્વારા અને ૩૪ ગીગાવૉટ નવા પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે તેવું આયોજન કરાયું છે.

સરકારી આંકડાઓ મુજબ ૩૧ માર્ચનાં રોજ પૂરા યેલા વર્ષમાં દેશમાં જળ વિદ્યુત ઉત્પાદનમાં છેલ્લા ૪૦ વર્ષમાં મોટામાં મોટો ઘટાડો થયો છે. વીજળી ઉત્પાદન વધારવા નવા પ્લાન્ટ કાર્યરત કરવાની કામગીરી લગભગ નહીં જેવી જ છે. ૨૦૦૯-૧૦ પછી જળ વિદ્યુત ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વીજળીનું ઉત્પાદન વધારવા હાલનાં પ્લાન્ટનું રિપેરિંગ કરીને તેને પૂર્ણ ક્ષમતાએ ચાલુ રાખવા તેમજ ૫ ગીગાવૉટ વીજળી ઉત્પન્ન કરવા બંધ પડેલા કોલસા આધારિત પ્લાન્ટ ચાલુ કરવા પગલાં લેવાયા છે.

ગયા વર્ષે પણ દેશના અનેક રાજ્યોમાં વીજળી સંકટ સર્જાયુ હતું. કોલસાની અછત અને કાળઝાળ ગરમીને કારણે હાઇડ્રોપાવર જનરેશનમાં આવે કમીને કારણે અનેક રાજ્યોમાં વીજ સંકટ સર્જાયું હતું અને સરકારે પણ એક્ટિવ થવાનો વારો આવ્યો હતો. ઘણા રાજ્યોમાં વીજ કાપ મુકવામાં આવ્યો હતો.

દેશમાં જળવિદ્યુતનાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે. બીજી તરફ થર્મલ વીજળી ઉત્પાદન માટે નવા કોલસા આધારિત પ્લાન્ટ ચાલુ થવામાં વિલંબ થઈ રહ્યો છે. રાજ્યોને વીજળીનાં સંકટથી બચાવવા તેમજ મહત્તમ વીજળી પુરવઠો ચાલુ રાખવા સરકારે અત્યારથી જ પગલાં લેવાનું શરૂ કર્યું છે. વીજળીનું ઉત્પાદન વધારવા પગલાં લેવાયા છે. જેને કારણે એેવી આશા છે કે જૂનમાં વીજળીની માંગ સંતોષી શકાશે.હાલ જે પ્લાન્ટમાં વીજળી ઉત્પાદન કરાઈ રહ્યું છે તેમાં પૂર્ણ ક્ષમતાએ વીજળીનું ઉત્પાદન કરવા અને પ્લાન્ટનું રિપેરિંગ કરવા પગલાં લેવાયા છે. બંધ પડેલા યુનિટો ફરી શરૂ કરાઈ રહ્યા છે. ૩.૬ ગીગાવૉટનાં નવા કોલસા આધારિત પ્લાન્ટ ચાલુ કરવામાં વિલંબને કારણે વીજળીનું સંકટ સર્જાવાની સંભાવના છે. આ નવા પ્લાન્ટ માર્ચ મહિનામાં જ શરૂ કરવાનાં હતા પણ કોલસાનો પુરવઠો પૂરતો ન હોવાથી તેમાં વિલંબ થયો છે. જૂન મહિનામાં રાતનાં સમયે વીજળીના પૂરવઠામાં ૧૪ ગીગાવૉટની અછત સર્જાય તેવી ધારણા છે. જેનુંમ મુખ્ય કારણ સોલાર પાવરનાં ઉત્પાદનમાં થનારો ઘટાડો માનવામાં આવે છે.