ભિલોડા, હિંમતનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા

સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના હિંમતનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં 2-2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં પણ બે ઈંચ વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં સાંજના અરસા દરમિયાન અડધા કલાકમાં જ સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈ હિંમતનગર શહેરના મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના છાપરિયા રસ્તા, પાલિકા રોડ અને ટાવર ચોકમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા

ભિલોડા વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ રાહત સર્જાઈ હતી. વિસ્તારમાં હાથમતી જળાશયમાં પાણીની આવક માટે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. સિંચાઈ માટે ખૂબ જ મહત્વના હાથમતી જળાશયમાં પાણીની આવક થવા માટે ભિલોડા અને ઉપરવાસ વિસ્તારમાં વરસાદ નોંધપાત્ર વરસવો જરુરી છે. ગુરુવારે 2 ઈંચ વરસાદ ભિલોડા અને આસપાસના વિસ્તારમાં વરસવાને લઈ રાહત સર્જાઈ છે.

જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ ગુરુવારે રાત્રી દરમિયાન વરસવાને લઈ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અડધા કલાકથી ઓછા સમયમાં જ સવા ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. સાંબેલાધાર વરસાદ વરસવાને લઈ થોડી વારમાં જ શહેરના મોટાભાગના રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા હતા. હાથમતી કેનાલ નજીક, છાપરીયા ચાર રસ્તા, છાપરીયા રોડ, સહકારી જીન રોડ, મહાવીર નગર, ગાયત્રી મંદિર રોડ, ટાવર ચોક, છોટાલાલ શાહ માર્ગ, ન્યાય મંદીર સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

પીક અવર્સ દરમિયાન જ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને લઈ વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. શહેરના હાર્દ સમાન વિસ્તાર ગણાતા ટાવર ચોક વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાને લઈ હાલાકીનો સામનો લોકોએ કરવો પડ્યો હતો. ખેડબ્રહ્મા વિસ્તારમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. વડાલીમાં દોઢેક ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત તલોદ અને પ્રાંતિજ વિસ્તારમાં હળવા ઝાપટા વરસ્યા હતા.

અરવલ્લી જિલ્લાના ભિલોડા વિસ્તારમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. શામળાજી અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભિલોડા વિસ્તારમાં વરસાદને લઈ પગલે સ્થાનિક હાથમતી સહિતની નદીઓમાં નવા નીરની આવક થઈ હતી. જેને લઈ હાથમતી જળાશયમાં રાહત સર્જાઈ હતી. જિલ્લામાં મોડાસા અને બાયડમાં હળવા ઝાપટા રુપી વરસાદ વરસ્યો હતો.