સાબરકાંઠા લોકસભા બેઠક ફરી ચર્ચામાં આવી છે. ભાજપે જાહેર કરેલા મહિલા ઉમેદવાર સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ભાજપે પહેલા અહીંથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, જેમણે પાછી પાની કરતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે હવે શોભનાબેન કાર્યકર્તા પણ ન હોવાથી વિરોધ કરાયો છે. તાલુકા પંચાયતના સભ્યએ પત્ર લખી વિરોધ કર્યો છે. હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહએ પત્ર લખી વિરોધ કર્યો છે. મૂળ કોંગ્રેસની નેતાના પત્નીને ટિકિટ આપતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી છે. જેને પગલે મેઘરજમાં બંધ રાખીને રેલી કાઢવામાં આવી છે. ભાજપના કાર્યકરોએ કહ્યું કે, કોંગ્રેસનો ભરતીમેળો ભાજપને જ ભારે પડ્યો છે.
ભાજપે સાબરકાંઠા બેઠક પર હવે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ક્ષત્રિય ઠાકોર ઉમેદવારને પસંદ કરીને નવા ચહેરાને તક આપી છે. સાબરકાંઠા બેઠક પરથી સતત બે ટર્મથી દિપસિંહ રાઠોડ સાંસદ રહી ચૂક્યા છે, હવે ભાજપે દિપસિંહ બાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહ બારૈયા પણ પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જો કે, મહેન્દ્રસિંહ પહેલા કોંગ્રેસમાં હતા. મહત્વનું છે કે સાબરકાંઠા બેઠક પર ભાજપે પહેલા ભીખાજી ઠાકોરની જાહેરાત કરી હતી. જોકે બાદમાં ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયામાં ચૂંટણી લડવા અંગે અનિચ્છા દર્શાવી હતી. જેના પછી ભાજપે શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરી હતી. જેના પછી ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર પાસેથી ઉમેદવારી પરત લઈ લેતા તેમના સમર્થકોનો વિરોધ સૂર ઉઠ્યા છે. ભીખાજીને ટિકિટ આપ્યા બાદ ઉમેદવારી પરત ખેંચાતા વિરોધ ઉઠ્યો છે. ભાજપ ઉમેદવાર ભીખાજીના સમર્થનમાં કાર્યકરો ઉમટી પડ્યા છે. સાબરકાંઠામાં ટિકિટ ભીખાજીને જ આપવા માંગ કરી રહ્યાં છે.