ભેંસાણની છોડવડી જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-મંત્રી મેનેજર સામે રૂા.૬ કરોડ ૨૧ લાખની ઉચાપતની ફરિયાદ

જુનાગઢ, જુનાગઢ જીલ્લા સહકારી બેંક નીચેની ભેંસાણ તાલુકાના છોડવડી ગામે આવેલી છોડવડી જુથ સેવા સહકારી મંડળી લી.ના મંત્રી પ્રમુખ અને ભેંસાણ શાખાના મેનેજરની મીલીભગતમાં છોડવડી ગામના ખેડુતોના નામે રૂા.૬,૨૧,૧૦,૨૫૫ કરોડની નાણાકીય ગેરરીતિ આચર્યાનું ખુલતા આ અંગેની ભેંસાણ પોલીસમાં સચીનભાઈ ક્પીલભાઈ મહેતા (ઉ.૨૬) રે. અક્ષરધામ સોસાયટી ભેંસાણ વાળાએ નોંધાવી છે.

આ અંગેની વિગત મુજબ છોડવડી ગામની જુથ સેવા સહકારી મંડળીના મંત્રી નરેશ સમજુ ગોંડલીયા રે. છોડવડી મંડળીના પ્રમુખ વિઠલ ડાયા પાઘડાર રે. ભેંસાણ અને જેતે વખતના જુનાગઢ જીલ્લા સહકારી બેંકના ભેંસાણ શાખાના મેનેજર રમેશ ડાયા રામાણી રે. અર્થદીપાલી પાર્ક-૨ શ્રીદર્શન બંગલો બ્લોક નં.૯ જુનાગઢ વાળાઓએ એકબીજાને મદદ કરી જીલ્લા સહકારી બેંકમાંથી ૫૩ ખેડુત સભાસદોને મળવાપાત્ર ધીરાણથી વધારે ધીરાણ આપી રૂા.૫,૯૬,૧૩,૧૦૦ તેમજ ૧૨ સભાસદો ખેડુતોનાશાખ પત્ર મંજુર થયેલ ન હોવા છતા અપ્રમાણીક ઈરાદાથી રૂા.૨૩,૮૭,૦૦૦નું ગેરકાયદેસર રીતે મંજુર કરી તે ધીરાણ ઉપાડી લઈ આરોપી મંત્રી નરેશ સમજુ ગોંડલીયા અને પ્રમુખ વિઠલ ડાયા પાઘડારએ તા.૩૦ના ધીરાણ ઉપાડી લઈ તા.૩-૬-૨૩ના સરવૈયામાં હાથ ઉપર સીલીક રૂા.૪,૪૯,૩૬,૦૭૦ દર્શાવી તથા તા.૧૫-૭-૨૩ના સરવૈયામાં હાથ ઉપર સીલક રૂા.૩,૫૯,૦૭૦ દર્શાવી તા.૧૬-૯-૨૩ના સરવૈયા તારીખમાં હાથ ઉપર સીલક ૧ લાખ ૧૦,૧૫૫ બતાવી મંડળીના ખોટા હીસાબો બતાવી સાચા હીસાબોમાં ચેડા કર્યાનું સામે આવેલ. આ કામના આરોપીઓએ કુલ ૬,૨૧,૧૦,૨૫૫ની નાણાકીય ગેરરીતિ આચરી યોગ્ય હીસાબો નહીં નિભાવી પોતાના અંગત લાભ માટે ખોટા ધીરાણો જાણી બુજીને મંજુર કરી મંડળીના ચોપડા સાથે ચેડા કરી તેમાં ફેરફાર કરી તેમણે છુપાવેલા રૂા.૬,૨૧,૧૦,૨૫૫ની મોટી રકમની ઉચાપત કર્યાની ફરીયાદ નોંધાતા ભેંસાણ પીએસઆઈ ડી.કે. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.