ભુજ, ભચાઉ તાલુકાના જૂની મોટી ચીરઇ ગામમાં એક મકાન આગળ ઊભેલી બોલેરોમાંથી પોલીસે રૂ.૧,૫૮,૩૦૦નો શરાબ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન બે શખ્સ અંધારાનો લાભ લઇ ઓઝલ થઇ ગયા હતા. એક શખ્સ હાજર મળ્યો ન હતો.
જૂની મોટી ચીરઇમાં યોગરાજસિંહ કનુભા સોઢાના મકાન આગળ પોલીસે કાર્યવાહી કરી હતી. યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ સોઢા તથા રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજિતસિંહ જાડેજા નામના શખ્સોએ સાથે મળી દારૂ મગાવી તે દારૂ જૂની મોટી ચીરઇમાં યોગરાજસિંહના મકાન આગળ બોલેરોમાં રાખ્યો હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસ ત્યાં દોડી ગઇ હતી. પોલીસને દૂરથી આવતી જોઇ બોલેરો પાસે ઊભેલા બે શખ્સો નાસવા લાગ્યા હતા અને અંધારાનો લાભ લઇ ઓઝલ થઇ ગયા હતા.
પરંતુ પોલીસે યોગરાજસિંહને નાસવા જતાં ઓળખી લીધો હતો. મકાન આગળ ઊભેલી બોલેરો નંબર જી.જે.-૧૨-બી.ટી. – ૭૯૯૬ના પાછળના ભાગે તપાસ કરાતાં દારૂની પેટીઓ નીકળી પડી હતી. આ વાહનમાંથી ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ ૭૫૦ એમ.એલ.ની ૨૨, એઇટ પી.એમ.ની ૭૫૦ એમ.એલ. ૨૪૦, એપીસોડ ક્લાસિક ૭૫૦ એમ.એલ.ની ૬૦ બોટલ તથા ગોડફાધર બિયરના ૪૫૬ ટીન એમ કુલ્લ રૂા. ૧,૫૮,૩૦૦નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી અને પંજાબ લખેલ આ માલ ક્યાંથી આવ્યો હતો તે બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.