ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર:ઉકાઈ ડેમની સપાટી ૩૪૪ ફૂટે પહોંચી, સતત પાંચમાં વર્ષે સંપૂર્ણ ભરાવવાની શક્યતા

ઉકાઈ ડેમની જળસપાટી સતત વધી રહી છે. જેના પગલે હાલ ઉકાઈ ડેમની સપાટી ભયજનકથી માત્ર એક ફૂટ જ દૂર રહી છે. હાલ ઉકાઈ ડેમની આવક અને જાવક સરખી કરી દેવામાં આવી છે. જ્યારે હાલ 63 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમ 345 ફૂટ સુધી ભરવામાં આવશે તો સતત પાંચમા વર્ષે સંપૂર્ણ ભરાશે.

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદી માહોલના પગલે 63 હજાર ક્યુસેક ઇનફ્લો આવ્યો હતો. આ આવકની સામે બે દરવાજા ખોલીને આવક જેટલું જ 63 હજાર કયુસેક પાણી છોડાઇ રહ્યુ હતુ. હાલ સપાટી સિઝનમાં પ્રથમ વખત 344.06 ફૂટે પહોંચી હતી. હવે રૂલલેવલ અને ભયજનક લેવલ 345 ફૂટથી સપાટી એક જ ફૂટ દૂર છે.

હથનુર ડેમમાંથી 50 હજાર કયુસેક જેટલું પાણી છોડાતુ હતુ. આ પાણી ઉકાઇ ડેમમાં આવતા 24 કલાકનો સમય લાગતો હોવાથી આગામી દિવસોમાં પણ ઉકાઇ ડેમમાં પાણીની આવક ચાલુ રહેશે. સુરત શહેરના કોઝવેની સપાટી 7.44 મીટર નોંધાઇ હતી અને 82 હજાર કયુસેક ઇનફલો સુરતની તાપી નદીમાં આવતો હતો.

ઉકાઈ ડેમ છેલ્લા ચાર વર્ષથી સંપૂર્ણ ભરવામાં આવી રહ્યો છે. ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરવાના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતને આખું વર્ષ પાણી મળી રહે છે. આ વર્ષે પણ ડેમ 345 ફૂટ ભરવાની શક્યતા છે. હાલ ડેમની સપાટી 1 ફૂટ જ સંપૂર્ણ ભરાવાથી દૂર છે. 2019થી ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ સંપૂર્ણ ભરવાની આશા છે.