ભાવનગરમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી સતત બીજા પણ યથાવત

ભાવનગર : ભાવનગર શહેરની ધોબી સોસાયટીમાં ગત મંગળવારે મહાપાલિકાએ મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરી હતી અને આશરે ૩૩ ગેરકાયદે દબાણ તોડી પાડયા હતાં. આ વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી આજે બુધવારે બીજા દિવસે પણ યથાવત રાખવામાં આવી હતી અને પ૧ ગેરકાયદે મિલ્કત તોડી પડાઈ હતી. મંગળવારે ચાર ધાર્મિક દબાણ અને આજે વધુ એક ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યુ હતું. હિન્દુત્વની વાતો કરતા ભાજપના રાજમાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 

શહેરની ધોબી સોસાયટીથી બોરતળાવ બાલવાટીકા સુધીનો ૧૮ મીટર રોડ બનાવવા માટે નડતરરૂપ ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી ગત મંગળવારે મહાપાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગે હાથ ધરી હતી અને ૩૩ ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં ર૮ મકાન સહિતના પાકા દબાણ કરવામાં આવ્યા હતા અને ચાર ધાર્મિક સ્થળ દુર કરવામાં આવ્યા હતા, જેમાં ૩ મંદિર અને ૧ મસ્જીદ વગેરે દબાણ હટાવવામાં આવ્યા હતાં. આજે સતત બીજા દિવસે આ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી સવારે ૮ કલાકથી શરૂ કરવામાં આવી હતી અને સાંજના ૭.૩૦ કલાક સુધી દબાણ દુર કરવાની કામગીરી ચાલી હતી, જેમાં પ૧ મિલ્કત તોડી પાડવામાં આવી હતી જેમાં મકાન, દિવાલ, ઓટલા સહિતના દબાણ દુર કરવામાં આવ્યા હતા તેમજ એક ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યુ હતું. આ સાથે જ આજે નડતરરૂપ દબાણો હટતાં ૧૮ મીટર રોડ બનાવવાની કામગીરીને મોકળાશ મળીછે. સાથો સાથ, ટૂંક સમયમાં કાટમાળ હટયા બાદ રોડની કામગીરી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.

મહત્વપૂર્ણ છે કે, ભાજપ દ્વારા હિન્દુત્વની વાતો કરવામાં આવે છે અને ભાજપના રાજમાં જ મંદિરો તોડવામાં આવી રહ્યા છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. મહાપાલિકાએ ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરતા સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડયા હતા અને દબાણકર્તાઓમાં રોષની લાગણી જોવા મળી હતી. બે દિવસમાં મહાપાલિકાએ તમામ ગેરકાયદે દબાણ તોડી પાડયા હતા પરંતુ આ કાટમાળ હટાવવામાં હજુ કેટલાક દિવસ લાગશે તેમ જાણવા મળેલ છે. મહાપાલિકાએ આશરે ૮૪ દબાણકર્તાઓનો નોટિસ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ધોબી સોસાયટીમાં રોડ પહોળો કરવા માટે કેટલાક માસ પૂર્વે મહાપાલિકાએ દબાણકર્તાઓને નોટિસ આપી હતી, જેના પગલે દબાણકર્તાઓએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં હાઈકોર્ટે બંને પક્ષને સાંભળી મહાપાલિકાની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. દબાણકર્તાઓને દબાણ હટાવવા માટે ૬ સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો તેથી મહાપાલિકાએ ૬ સપ્તાહ સુધી કાર્યવાહી કરી ન હતી પરંતુ ૬ સપ્તાહ બાદ દબાણકર્તાઓએ દબાણ નહીં હટાવતા મહાપાલિકાએ દબાણ તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. 

શહેરની ધોબી સોસાયટીમાં રોડ મોટો કરવાનો હોવાથી મહાપાલિકાએ ૮૪ દબાણકર્તાઓને નોટિસ આપી હતી. છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બે દિવસમાં ૮૪ ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા હતાં. દબાણ દુર કરવાની કામગીરી મનપા દ્વારા ઝડપી કરવામાં આવી હતી. 

ભાવનગર શહેરની ધોબી સોસાયટીમાં મહાપાલિકાએ તમામ ગેરકાયદે દબાણ બે દિવસમાં તોડી પાડયા છે પરંતુ કાટમાળ હજુ હટાવવામાં આવ્યો નથી. કાટમાળ હટાવવા માટે હજુ ત્રણ-ચાર દિવસનો સમય લાગશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. મહાપાલિકા દ્વારા કાટમાળ ભરી ચિત્રા ખાતે મહાપાલિકાની જગ્યામાં નાખવામાં આવશે તેમ જાણવા મળેલ છે.