તામિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવનારા એક ગ્રૂપને ભાવનગરમાં એક ખતરનાક અનુભવ થયો. ગઇકાલે (26 સપ્ટેમ્બર) ઘોઘામાં 5 ઇંચથી વધારે વરસાદ વરસી જતા માલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ દરમિયાન કાળિયાકમાં નિષ્કલંક મહાદેવનાં દર્શન કરીને પરત ફરતી યાત્રાળુઓની બસ ડ્રાઇવરની બેદરકારીના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઇ હતી. જેમાં 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડ્યા બાદમાં ટ્રક પણ ફસાઈ. મધરાત્રે તો પરિસ્થિતિ બેકાબૂ બની હતી. પણ તંત્રએ મહામહેનતે 8 કલાકનું જીવ સટોસટનું રેસ્ક્યૂ કરી તમામ 29 યાત્રાળુને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.
મધરાતે પરિસ્થિતિ બેકાબૂ બની બસ પાણીમાં ફસાતા ગામના સરપંચે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ઘોઘા મામલતદાર, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ પરિસ્થિતિ બેકાબૂ થતા ભાવનગર કલેક્ટર, ભાવનગર એસપી, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો પણ આવી પહોંચ્યા હતા. ભાવનગર ફાયરબ્રિગેડ વિભાગની ટીમ, સ્થાનિકો, તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યૂમાં જોડાયો હતો.
બસમાંથી ટ્રકમાં શિફ્ટ કર્યા તો એ પણ ફસાઈ આ બાદ રાત્રે 10:30થી 11 વાગ્યાની આસપાસ એક ટ્રકને બસની નજીક સલામત રીતે પહોંચાડી બસનો કાચ તોડીને 29 લોકોનું રેસ્ક્યૂ કરીને ટ્રકમાં શિફ્ટ કરાયા હતા. પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં તે ટ્રક પણ ફસાતા પરિસ્થિતિ કપરી બની હતી.
પરિસ્થિતિ બેકાબૂ બનતા આખરે ભાવનગર કલેક્ટરે NDRFની ટીમને જાણ કરી હતી. NDRFની ટીમ અમરેલીથી 12:30થી 1 વાગ્યાની આસપાસ કોળિયાક પહોંચી હતી. બાદમાં તેમણે આવીને રેસ્ક્યૂ કામગીરી હાથમાં લીધી હતી.
તંત્રએ 29 લોકોના જીવ બચાવ્યા ત્યારબાદ પાણીના વહેણ સામે તમામ ઉપાયો નિષ્ફળ નીવડ્યા હતા. બાદમાં વરસાદ બંધ થતાં આખરે 2થી 3 કલાક બાદ પાણીના વહેણ નીચા ઊતરતા રાહત થઈ હતી. બાદમાં બીજી ટ્રક મારફતે તમામ મુસાફરોને બચાવી લેવાયા હતા. આમ NDRFની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી આખરે 29 લોકોના જીવ બચી જતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ટ્રક સુરક્ષિત સ્થાને પહોંચ્યા બાદ તમામ મુસાફરોના ચેકઅપ અર્થે તબીબોની ટીમ અને 108 ખડેપગે હતા. હાલ તમામ મુસાફરો માટે કળિયાબીડ ખાતે આવેલી પટેલ બોર્ડિંગ ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા તંત્રએ કરી છે.
આ ઘટના અંગે ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુની બસ કાળિયાકના દર્શનાર્થે આવી હતી અને ડ્રાઇવર અજાણ્યો હોવાને કારણે ગામના લોકોએ કોઝ-વેમાંથી પસાર ન થવા માટે જણાવ્યું હતું. પાણીના ધક્કાથી અડધી બસ કોઝવે ઉપર રહી અને અડધી પાણીમાં ગઈ હતી. અમને સાંજે 6:45થી 7 વાગ્યાની આસપાસ જાણ થઈ હતી. તાત્કાલિક સ્થાનિકો, સ્થાનિક આગેવાનો, પોલીસ વિભાગ, રેવન્યૂ વિભાગ, મામલતદાર, પ્રાંત ઓફિસર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ હું, કમિશનર તથા એસપી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, ફાયર બ્રિગેડની બે ટીમ, અમારી પણ ટીમ આ ઉપરાંત મોડી રાત્રે એનડીઆરએફની ટીમ પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી. તમામના સંયુક્ત સહયોગથી આજે મોટી સંખ્યામાં યાત્રિકોને બચાવી શક્યા છીએ અને તમામને સલામત જગ્યાએ લઈ આવ્યા છીએ. યાત્રાળુઓની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી રહ્યા છીએ કોઈને નાનું મોટું વાગ્યું હોય કે બ્લડ પ્રેશર સહિતની ઓક્સિજન લેવલ વધુ ઘટયું સહિતની સારવાર કરી હતી. આ ઉપરાંત તમામ યાત્રિકોને ભાવનગર રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હજુ પણ તેઓને અમારી મદદની જરૂર હશે તો અમે જરૂર કરીશું.