ભાવનગર યુનિવર્સિટી રાજકીય અખાડો બની,અઢી વર્ષથી કૂલપતિની નિમણૂક લટકી

ભાવનગરની યુનિવર્સિટી ની સાથે ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું નામ જોડાયું છે. જે એક ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે,પરંતુ હાલ આ યુનિવર્સિટી માં છેલ્લા અઢી વર્ષથી કાયમી કુલપતિની નિમણૂક નથી થઈ. કુલપતિની નિમણૂક ન થવા પાછળનું કારણ અહીંનું રાજકારણ છે. કાયમી કુલપતિના અભાવે મહારાજ કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટી જાણે રાજકીય અખાડો બની ગઈ છે. કાયમી કુલપતિના અભાવે વહીવટી કામગીરી અટકે છે. યુનિવસટીનો વિકાસ અટકે છે અને સરવાળે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે.

હાલ ઈન્ચાર્જ કુલપતિના સહારે ગાડુ ગબડી રહ્યું છે. જેની સીધી અસર યુનિવર્સિટી માં અભ્યાસ કરતા ૩૦ હજાર વિદ્યાર્થીઓ પર થાય છે. કાયમી કુલપતિ ન હોવાથી યુનિવર્સિટી માં નીતિ વિષયક નિર્ણયો લઈ શકાતા નથી. વિદ્યાર્થી સંગઠનો પણ માગણી કરી રહ્યા છે કે જલદીથી કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવે.

લોક્સભાની ચૂંટણી પહેલા કાયમી કુલપતિની નિમણૂક પણ થઈ હતી. પરંતુ જેના પર કુલપતિના પદનો કળશ ઢોળાયો હતો તેમણે પદ સંભાળવાની ના કહેતા. નિમણૂક ખોરંબે ચડી ગઈ. હાલ યુનિવસટીએ સર્ચ કમિટીની રચના કરી છે. જે આગામી સમયમાં નિમણૂક અંગે પ્રક્રિયા હાથ ધરશે.